Geo Gujarat News

અંકલેશ્વર: રીક્ષા ગેંગનો ધોળા દિવસે કારસ્તાન, પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા સાગરીતોએ વૃદ્ધાની 15 ગ્રામ સોનાની બંગડી ઉઠાવી!

અંકલેશ્વર શહેરમાં ફરી એકવાર શાતિર રીક્ષા ગેંગે ધોળા દિવસે વૃદ્ધાને નિશાન બનાવીને લૂંટની ઘટનાને અંજામ આપતા નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા ગેંગના સભ્યોએ ચાલાકીપૂર્વક એક વૃદ્ધ મહિલાનું ધ્યાન ભટકાવી અંદાજે 15 ગ્રામ વજનની સોનાની કિંમતી બંગડી સેરવી લેતા શહેરની સલામતી વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. કોસમડી વિસ્તારના રહેવાસી ચંપાબેન રમણભાઈ વસાવા ગતરોજ પોતાના અંગત કામકાજ માટે એસ.એ. મોટર્સ સામે આવેલી ઇન્ડિયન બેંકે ગયા હતા. બેંકનું કામ પૂરું કરી તેઓ ઘરે પરત ફરવા મુખ્ય માર્ગ પર વાહનની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે એક રીક્ષા આવીને ઉભી રહી, જેમાં અગાઉથી જ ત્રણ શંકાસ્પદ પેસેન્જરો બેઠેલા હતા. રીક્ષા ચાલકે વિશ્વાસમાં લેવાના ઈરાદે માસી, ક્યાં જવું છે, બેસી જાવ કહી રીક્ષામાં બેસવા આગ્રહ કર્યો હતો.રીક્ષામાં પહેલેથી જ ભીડ હોવાને કારણે ચંપાબેને બેસવાની ના પાડી હતી, પરંતુ રીક્ષા ચાલકે અંદર બેઠેલા સાગરીતોને આગળ-પાછળ ખસેડી જગ્યા બનાવી, પૂર્વનિયોજિત કાવતરાના ભાગરૂપે તેમને પરાણે બેસાડી લીધા હતા. મુસાફરી દરમિયાન રીક્ષા ચાલક અને પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા શખ્સોએ સતત વાતોમાં રાખીને ચંપાબેનનું ધ્યાન ભટકાવ્યું હતું. રીક્ષા જ્યારે અંકલેશ્વર પ્રતીન ચોકી અને બ્રિજ પસાર કરી વાલિયા-કોસમડી મુખ્ય માર્ગ પર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના મેઈન ગેટ નજીક પહોંચી, ત્યારે અચાનક રીક્ષા ચાલકે માસી તમને અહીં બેસવામાં તકલીફ પડે છે, અહીં ઉતરી જાવ કહી અધવચ્ચે ઉતારી દીધા હતા. રીક્ષામાંથી નીચે ઉતરતાની સાથે જ ચંપાબેનની નજર તેમના હાથ પર ગઈ, જ્યાં પહેરેલી અંદાજે 15 ગ્રામની સોનાની બંગડી ગાયબ હતી.વૃદ્ધા કંઈ સમજે તે પહેલાં જ રીક્ષા ચાલક પોતાના ત્રણ સાથીદારો સાથે પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયો હતો. ધોળા દિવસે થયેલી આ લૂંટથી હેબતાઈ ગયેલી ચંપાબેને આસપાસના લોકો પાસે મદદ માગી હતી. સ્થાનિક જાગૃત નાગરિકોએ તેમને તાત્કાલિક જી.આઈ.ડી.સી. પોલીસ મથકે લઈ જઈ ઘટનાની જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ જી.આઈ.ડી.સી. પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી સર્વેલન્સ સ્ટાફને તપાસમાં ઉતાર્યો છે. પોલીસે ઘટના સ્થળ તેમજ રીક્ષા પસાર થયેલા તમામ રૂટના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા આ રીક્ષા ગેંગના સાગરીતોને વહેલી તકે ઝડપી પાડી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.