અમદાવાદ રેલવે સ્ટેશન પર એક રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટનામાં ફરજ પરના RPF જવાનની સતર્કતા અને બહાદુરીને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે. ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી એક મહિલા અચાનક પગ લપસતા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જવાની કગાર પર પહોંચી ગઈ હતી, પરંતુ સમયસર RPF જવાને દોડી આવી મહિલાને ખેંચી સલામત રીતે બહાર કાઢી લીધી હતી. ઘટનાના CCTV દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળે છે કે મહિલા ઝડપથી દોડીને ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહી હતી. તે સમયે અચાનક તેનું સંતુલન બગડ્યું અને તે ટ્રેન તથા પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. એક ક્ષણ માટે સમગ્ર પ્લેટફોર્મ પર હાજર લોકોના શ્વાસ અટકી ગયા હતા.
આ ભયાનક દ્રશ્ય નજરે પડતાં જ ફરજ પર હાજર RPF જવાન કોઈ વિલંબ કર્યા વગર દોડી આવ્યા હતા અને જીવની પરવા કર્યા વગર મહિલાને પકડી ખેંચી બહાર કાઢી હતી. તેમની સમયસૂચકતા અને બહાદુરીને કારણે મહિલાનો જીવ બચી ગયો હતો. જો થોડા સેકન્ડની પણ મોડાશ થઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. આ ઘટનાને પગલે રેલવે પ્રશાસન દ્વારા RPF જવાનની કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે. સાથે જ મુસાફરોને સુરક્ષા માટે ચાલતી ટ્રેનમાં ચઢવા કે ઉતરવાનો પ્રયાસ ન કરવા અપીલ કરવામાં આવી છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે સતર્કતા અને જવાબદારી જ જીવન બચાવી શકે છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023