Geo Gujarat News

ભરૂચ: પ્રજાપતિ સમાજનું ગૌરવ, દેરોલની દીકરી યોગીતાબેન પ્રજાપતિએ સંસ્કૃત વિષયમાં PHD ની પદવી હાંસલ કરી

શિક્ષણ જગતમાં અને ખાસ કરીને પ્રજાપતિ સમાજ માટે ગૌરવ લેવા જેવા સમાચાર સામે આવ્યા છે. મૂળ દેરોલના વતની અને હાલ ભરૂચ ખાતે સ્થાયી થયેલા યોગીતાબેન ગણપતભાઈ પ્રજાપતિએ સંસ્કૃત વિષયમાં પોતાનો મહાશોધ નિબંધ પૂર્ણ કરી ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરી સમાજ અને પરિવારનું નામ રોશન કર્યું છે. ડો.યોગીતાબેન પ્રજાપતિએ આધુનિક સંસ્કૃત સાહિત્યના પ્રખર કવિશ્રી હર્ષદેવ માધવ રચિત શતકત્રયમ્ પર ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. તેમના સંશોધનનો મુખ્ય વિષય શતકત્રયમ્, એક અધ્યયન (મૃત્યુશતકમ્, ભૂતપ્રેતશતકમ્ અને વોટ્સએપશતકમ્ ના સંદર્ભે) રહ્યો હતો. પરંપરાગત વિષયોથી હટીને આધુનિક સંદર્ભો સાથેના આ સંશોધનને શિક્ષણવિદોએ પણ બિરદાવ્યું છે.
આ કપરી શૈક્ષણિક સફરમાં તેમને ભરૂચની પ્રતિષ્ઠિત શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રોફેસર ડો. દીપકભાઈ પી. પારેખનું અમૂલ્ય માર્ગદર્શન મળી રહ્યું હતું. તેમની મહેનત અને સંશોધનના આધારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા તેમને સત્તાવાર રીતે PHD ની પદવી એનાયત કરવામાં આવી છે. યોગીતાબેનની આ સિદ્ધિ બદલ પ્રજાપતિ સમાજમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. દીકરીઓએ શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ શિખરો સર કરીને સમાજનું ગૌરવ વધાર્યું હોવાનું અગ્રણીઓએ જણાવ્યું હતું. સોશિયલ મીડિયા અને રૂબરૂ મળીને મિત્રો તેમજ સ્નેહીજનો તેમને આ શૈક્ષણિક સફળતા બદલ અભિનંદન પાઠવી રહ્યા છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.