Geo Gujarat News

ભરૂચ: ઉત્તરાયણ પર્વે ઘાયલ પક્ષીઓની સારવાર માટે તંત્ર સજ્જ; 20 કલેક્શન સેન્ટર અને 12 સારવાર કેન્દ્રો કાર્યરત કરાશે

આગામી ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પશુ-પંખીઓને ત્વરિત સારવાર મળી રહે તે માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘કરૂણા અભિયાન’ અંતર્ગત સઘન આયોજન કરવામાં આવ્યું છે. વન વિભાગ, પશુપાલન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલનથી જિલ્લામાં કુલ 20 કલેક્શન સેન્ટર અને 12 અત્યાધુનિક સારવાર કેન્દ્રો શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. સ્વૈચ્છિક સંસ્થાઓ અને વન વિભાગનો સહિયારો પ્રયાસ આ વર્ષે પક્ષી બચાવો અભિયાનમાં જિલ્લાની 10 જેટલી નામાંકિત સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઈ છે, જેઓ પોતાની ટિમ સાથે મેદાનમાં ઉતરશે. ઉત્તરાયણ દરમિયાન આકાશમાં ઉડતા અબોલ પક્ષીઓ ઘાતક દોરીનો શિકાર ન બને તે માટે વન વિભાગ સતર્ક છે. ગત વર્ષના આંકડા મુજબ, તંત્રના પ્રયાસોથી 65 પક્ષીઓના જીવ બચાવી શકાયા હતા, જોકે કબૂતર અને પીળી ચાંચ ઢોક સહિતના કેટલાક પક્ષીઓએ દમ તોડ્યો હતો. આ વર્ષે મૃત્યુઆંક ઘટાડવા માટે વહીવટી તંત્ર વધુ ગંભીરતાથી કામ કરી રહ્યું છે.

ચાઈનીઝ માંઝા સામે કડક કાર્યવાહીના આદેશ જિલ્લા કલેક્ટર દ્વારા પર્યાવરણ અને પક્ષીઓ માટે જોખમી એવા ચાઈનીઝ માંઝાના વેચાણ અને ઉપયોગ પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ પ્રતિબંધનો અમલ કરાવવા માટે પોલીસ વિભાગ, નગરપાલિકા અને વન વિભાગની સંયુક્ત ટીમો દ્વારા બજારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે અને કાયદેસરના પગલાં લેવાશે. તાત્કાલિક સારવાર માટે હેલ્પલાઇન નંબર જાહેર જો કોઈ નાગરિકને ઘાયલ પક્ષી જોવા મળે, તો તેઓ તાત્કાલિક નીચે મુજબના હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરી શકે છે :

  • કરૂણા હેલ્પલાઇન (WhatsApp): 8320002000
  • વન વિભાગ હેલ્પલાઇન: 1926
  • એનિમલ એમ્બ્યુલન્સ: 1962

તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે પક્ષીઓના જીવ બચાવવા માટે વહેલી સવારે અને મોડી સાંજે પતંગ ચગાવવાનું ટાળે અને ઘાયલ પક્ષીઓની માહિતી તુરંત કંટ્રોલ રૂમ પર આપે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.