આમોદ તાલુકાના સુઠોદરા ગામે પ્રાથમિક શાળાના આચાર્યા તથા ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા રેખાબેન નાથાલાલ મકવાણાના સન્માનમાં ગ્રામજનો દ્વારા સ્નેહમિલન તેમજ ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા ફેરબદલીને કારણે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ જગતના અગ્રણીઓ, ગ્રામજનો અને શિક્ષક સંઘના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન સુઠોદરા પ્રાથમિક શાળાના નવનિર્મિત પ્રવેશદ્વારનું લોકાર્પણ ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંઘા તથા ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનકુમાર શાહના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રવેશદ્વાર રેખાબેન મકવાણાએ પોતાના જીવન દરમિયાન મળેલા દાનમાંથી શાળાના વિકાસ માટે અર્પણ કરેલા યોગદાનરૂપે સ્મૃતિભેટ તરીકે નિર્માણ કરાવ્યો હતો. રેખાબેન મકવાણાએ ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રમાં સતત ૨૬ વર્ષથી કર્મનિષ્ઠ અને સમર્પિત સેવા આપી છે. તેમની બદલીના પ્રસંગે જિલ્લા તથા તાલુકા કક્ષાના અનેક ઉચ્ચ અધિકારીઓની નોંધપાત્ર ઉપસ્થિતિએ તેમની શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા અને શ્રેષ્ઠ કામગીરીને ઉજાગર કરી હતી.

આ પ્રસંગે ભરૂચ શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંઘા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનકુમાર શાહ, પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અંગત સચિવ એલ.કે. જોગલ, એસસી ભાજપા મોરચાના પ્રમુખ વસંતભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ ચંદ્રકાંત જંબુસરીયા, આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રધ્યુમનસિંહ રાઉલજી સહિત જિલ્લા અને તાલુકાના શિક્ષણ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન રેખાબેન મકવાણાએ ભરૂચ જિલ્લા શિક્ષણ ઘટક સંઘને રૂ. ૭,૦૦૦ અને આમોદ તાલુકા શિક્ષણ ઘટક સંઘને રૂ. ૫,૦૦૦નો ચેક અર્પણ કરી પોતાની શિક્ષણ પ્રત્યેની સેવાભાવનાનો પરિચય આપ્યો હતો. ઉપરાંત, ભરૂચ અને આમોદ જિલ્લા શિક્ષણ સમિતિ, તાલુકા શિક્ષણ સંઘ, સુઠોદરા ગ્રામજનો તેમજ વીર મેઘમાયા સેવા સમિતિ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. એસસી ભાજપા મોરચાના પ્રમુખ વસંતભાઈ પરમારે રૂ. ૫,૦૦૦ની રોકડ ભેટ આપી તેમની શિક્ષણ સેવાને બિરદાવેલી હતી. આ સ્નેહમિલન અને વિદાય સમારંભ સુઠોદરા ગામ અને સમગ્ર શિક્ષણ જગત માટે ગૌરવસભર ક્ષણ બની રહ્યો હતો.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023