શિક્ષણની સાથે સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા હેતુ સાથે આમોદ તાલુકાની જાણીતી શૈક્ષણિક સંસ્થા બચ્ચોકા ઘર સંચાલિત ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સાપ્તાહિક રમતગમત મહોત્સવ સ્પોર્ટ્સ વીકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ગત તારીખ ૫ જાન્યુઆરીથી શરૂ થયેલ આ ખેલકૂદ સ્પર્ધાઓનું આજે ૧૦ જાન્યુઆરીના રોજ ઉત્સાહભેર સમાપન થયું છે. આ સ્પોર્ટ્સ વીક દરમિયાન શાળાના પટાંગણમાં અનેકવિધ પરંપરાગત અને આધુનિક રમતોનું આયોજન કરાયું હતું. જેમાં બાળકોએ પોતાની શારીરિક ક્ષમતા અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યત્વે કોથળા દોડ અને અવરોધ દોડ, ગોળા ફેંક અને ફૂલ રેકેટ, સિક્કા શોધ અને મ્યુઝિકલ ચેર, દોરડા ખેંચ અને ખો-ખો, ક્રિકેટ અને સાયકલ રેસ જેવી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉમંગભેર ભાગ લીધો હતો. મેદાન પર ખેલાડીઓનો જોશ અને સહપાઠીઓનો ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી બશીર રાણાએ સ્કૂલની મુલાકાત લીધી હતી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. વીડિયો સંદેશ દ્વારા તેમણે જણાવ્યું હતું કે, બચ્ચોકા ઘર સંચાલિત ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ૫ થી ૧૦ જાન્યુઆરી સુધી આ સુંદર સ્પોર્ટ્સ વીકનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ક્રિકેટ, ખો-ખો, દોરડા ખેંચ અને ગોળા ફેંક જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને પોતાની શક્તિ બતાવવાની તક મળી છે. શાળા સંચાલન અને શિક્ષકોની આ મહેનતને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આ પ્રસંગે શાળાના આચાર્ય મુસતકીમ, ઇરફાન સાહેબ તથા સટાફના તમામ શિક્ષકોની કામગીરીને તેમણે બિરદાવી હતી.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે શિક્ષણની સાથે રમતગમત દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે અને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે છે. શાળાના આચાર્ય અને શિક્ષણગણ દ્વારા કરવામાં આવેલ આ આયોજનને વાલીઓએ પણ બિરદાવ્યું છે.

શાળા સંચાલકોના મતે, આવા કાર્યક્રમોથી બાળકોમાં ટીમવર્ક, શિસ્ત અને ખેલદિલીની ભાવના કેળવાય છે. આ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા તેજસ્વી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેથી તેઓ ભવિષ્યમાં જિલ્લા અને રાજ્ય કક્ષાએ પણ શાળાનું નામ રોશન કરી શકે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023