Geo Gujarat News

હાંસોટ: ઇલાવમાં શ્રી રામકથાનો ધાર્મિક ઉલ્લાસ, રામ જન્મોત્સવમાં જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની હાજરી

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આયોજિત શ્રી રામકથામાં ભક્તિ અને આધ્યાત્મિકતા છવાઈ ગઈ છે. રામકથાના ચોથા દિવસે ભગવાન શ્રીરામના જન્મ પ્રસંગની વિશેષ ઉજવણી સાથે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિતિ આપી હતી. આ અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ રામકથા સાંભળી આધ્યાત્મિક આનંદ અનુભવ્યો હતો. ઇલાવ ગામમાં 5 જાન્યુઆરીથી રામચરિત માનસ આધારિત કથાનું ભાવસભર આયોજન કરવામાં આવ્યું છે, જે 13 જાન્યુઆરી સુધી ચાલશે. ચોથા દિવસે મંત્રી ઈશ્વરસિંહ પટેલના આગમનથી કથા મંડપમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિનો માહોલ વધુ ગાઢ બન્યો હતો.

મંત્રી સાથે હાંસોટ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, સ્થાનિક આગેવાન મહાદેવ પટેલ, હિમાંશુ પટેલ, તાલુકા પંચાયત સભ્ય જે.ડી. પટેલ તથા ગામના ઉપ સરપંચ હિરેન પટેલ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. કથાવાચક ધનેન્દ્ર વ્યાસે વ્યાસપીઠ પરથી મંત્રીને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.મંત્રી ઈશ્વરસિંહ પટેલે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે આવા ધાર્મિક આયોજન સમાજમાં સંસ્કૃતિ, એકતા અને સદભાવના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

તેમણે રામકથાના સુવ્યવસ્થિત આયોજન બદલ આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી. રામકથાના ચોથા દિવસે ભગવાન શ્રીરામના જન્મોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. ભક્તિપૂર્ણ વાતાવરણ વચ્ચે 501 દીવડાની મહાઆરતી અને ભવ્ય આતશબાજી યોજાતા સમગ્ર ઇલાવ ગામ રામમય બની ગયું હતું. રામકથા દરમિયાન દરરોજ વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી રહ્યા છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.