આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને જંબુસર પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જંબુસરના ભુત ફળીયા વિસ્તારમાંથી પોલીસે અંદાજે રૂ. 30,000ની કિંમતના ચાઈનીઝ દોરીના 50 ફિરકા કબજે કર્યા છે. પોલીસે આ કાર્યવાહી રોહિતભાઈ મહેશભાઈ વાઘેલા નામના યુવકના રહેણાંક મકાન નજીક કરી હતી. જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ઉપયોગથી માનવજીવન અને પક્ષીઓ માટે ઉભા થતા જોખમને ધ્યાનમાં રાખીને વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાની સૂચનાથી જિલ્લામાં વ્યાપક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

ઈ/ચા નાયબ પોલીસ અધિક્ષક ડો. અનિલ સિસારા (જંબુસર વિભાગ)ના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઈન્સપેક્ટર વી.કે. ભુતિયાની સૂચનાથી જંબુસર પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે ભુત ફળીયા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન મંદિરના ઓટલા પાસે વેચાણ માટે સંગ્રહિત પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 50 ફિરકા મળી આવ્યા હતા. પોલીસે તરત જ મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જંબુસર પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે ઉત્તરાયણ દરમિયાન લોકો તથા પક્ષીઓની સુરક્ષા માટે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ઉપયોગ, સંગ્રહ અને વેચાણ સામે આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રહેશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com