ભરૂચ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત હેઠળ ચાલી રહેલા રોડ બાંધકામમાં ગુણવત્તાના ગંભીર પ્રશ્નો અને વ્યાપક ગોબાચારીના આક્ષેપો સામે આવ્યા છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર સુપરત કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કરોડો રૂપિયાના ખર્ચે થતાં રોડ બાંધકામમાં સરકારી નિયમો અને નક્કી કરાયેલ માર્ગદર્શિકાઓનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. ઘણા સ્થળોએ રોડ કામની વિગતો દર્શાવતા ફરજિયાત માહિતી બોર્ડ લગાવવામાં આવ્યા નથી, જેના કારણે પારદર્શિતા ઉપર પ્રશ્નાર્થ ઊભો થયો છે. રોડ બાંધકામ દરમિયાન જરૂરી સુરક્ષા વ્યવસ્થાનો અભાવ પણ ગંભીર ચિંતા રૂપે સામે આવ્યો છે. કામના સ્થળોએ ડાયવર્ઝન, રિફ્લેક્ટર તથા પૂરતું લાઇટિંગ ન હોવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનો મોટો ખતરો ઊભો થયો હોવાનું AAPએ જણાવ્યું છે.

આ ઉપરાંત મજૂરો માટે હેલ્મેટ, રિફ્લેક્ટિવ જાકેટ સહિતના સેફ્ટી સાધનો ઉપલબ્ધ ન હોવાને કારણે કામદારોની સલામતી પણ જોખમમાં મુકાઈ રહી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીએ ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા તમામ રોડ બાંધકામની ત્રીજા પક્ષ દ્વારા ગુણવત્તા તપાસ કરાવવાની માંગ કરી છે. સાથે જ બેદરકારી દાખવનારા જવાબદાર અધિકારીઓ અને સંકળાયેલા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com