વાલિયા તાલુકાના વટારીયા ગામની જૂની સુગર કોલોનીમાં તસ્કરોએ તરખાટ મચાવી ચાર બંધ મકાનોને નિશાન બનાવ્યાની ઘટના સામે આવી છે. તસ્કરોએ એક મકાનનો નકુચો તોડી અંદર પ્રવેશ કરીને સોના-ચાંદીના ઘરેણાં તથા ૨૦ હજાર રૂપિયા રોકડા મળી કુલ અંદાજે ૧.૮૦ લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની વિગતો મુજબ, કોલોનીમાં રહેતા વિજયસિંહ દગા સિસોદીયા તેમના મકાનને તાળું મારી વાલિયા ખાતે તેમના ભાઈના ઘરે ગયા હતા. તેમની ગેરહાજરીનો લાભ લઈ અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી તાળું તોડી ચોરી અંજામ આપી હતી.
તસ્કરોએ વિજયસિંહના મકાનમાંથી કિંમતી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ પર હાથ સાફ કર્યો હતો. ઉપરાંત તસ્કરોએ કોલોનીના અન્ય ત્રણ મકાનોમાં પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ત્યાંથી કોઈ મુદ્દામાલ ન મળતા તેઓ નિરાશ થઈ પરત ફર્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં વાલિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે ચોરી અંગે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ શરૂ કરી છે. સતત વધી રહેલી ચોરીની ઘટનાઓને લઈને કોલોનીના રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com