વાગરા તાલુકાના મુલેર ચોકડી નજીક એક ગંભીર અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સ્કોર્પિયો કાર અને બાઇક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતની ઘટના સામે આવતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી અને શોકનો માહોલ ફેલાઈ ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ મુલેર ચોકડી પાસે રોડ ઉપરથી પસાર થતી સ્કોર્પિયો કાર અને સામે તરફથી આવી રહેલી બાઇક અચાનક સામસામે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, બાઇક સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. આ અકસ્માતમાં બાઇક ચલાવી રહેલા સુરેશ રવજી જાદવ નામના ઇસમને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
અકસ્માતની જાણ થતાં વાગરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત સ્થળની તપાસ કરી જરૂરી પંચનામું કર્યું હતું. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિક અવરોધ સર્જાયો હતો. જેને પોલીસે સમયસર વ્યવસ્થા કરી સામાન્ય સ્થિતિ પરત લાવી હતી. વાગરા પોલીસે સ્કોર્પિયો કાર ચાલક અંગે તપાસ શરૂ કરી છે. અને અકસ્માતના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અકસ્માતથી મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સ્થાનિક લોકોએ પણ માર્ગ પર વધતા અકસ્માતોને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને વાહનચાલકોને વધુ સાવચેતી રાખવા અપીલ કરી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com