કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ગ્રામીણ રોજગારીની કરોડરજ્જુ સમાન મનરેગા યોજનાને વ્યવસ્થિત રીતે નબળી પાડવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે રાજ્યવ્યાપી લડત આપવાનું એલાન કર્યું છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે યોજાયેલી એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતે ‘મનરેગા બચાવો આંદોલનની સત્તાવાર જાહેરાત કરી હતી. કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર સરકાર બજેટમાં સતત કાપ મૂકીને મનરેગા યોજનાનું ગળું ઘોંટી રહી છે. પૂરતું ભંડોળ ન ફાળવવાને કારણે મજૂરોને મહિનાઓ સુધી વેતનની ચૂકવણી થતી નથી, જેના લીધે અનેક રાજ્યોમાં શ્રમિકો આ કામથી વિમુખ થઈ રહ્યા છે. કોંગ્રેસના મતે, કામના દિવસો ઘટાડવા અને વહીવટી પ્રક્રિયા જટિલ બનાવવી એ આ યોજનાને ધીમે-ધીમે બંધ કરવાનું ભાજપ સરકારનું કાવતરું છે. જે યોજના હેઠળ ૧૦૦ દિવસની રોજગારીનો ગેરંટીયુક્ત અધિકાર મળ્યો હતો, તે હવે માત્ર કાગળ પર સીમિત રહી ગયો છે.
પત્રકાર પરિષદને સંબોધતા પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, મનરેગા એ સરકાર દ્વારા અપાતું કોઈ દાન નથી, પરંતુ ભારતના બંધારણે ગરીબ, ખેડૂત, મહિલાઓ, દલિત અને આદિવાસીઓને આપેલો કાનૂની અધિકાર છે. ભાજપ સરકાર આ અધિકાર છીનવીને ગ્રામીણ અર્થતંત્રને પાયમાલ કરી રહી છે. આ લડાઈને માત્ર નિવેદનો પૂરતી સીમિત ન રાખતા કોંગ્રેસે તેને જન આંદોલન બનાવવાનું નક્કી કર્યું છે. આ આંદોલન ગ્રામ પંચાયત સ્તરેથી શરૂ કરી તાલુકા, જિલ્લા અને છેક રાજ્ય સ્તરે વ્યાપક બનાવવામાં આવશે. એટલું જ નહીં, આગામી દિવસોમાં આ વિરોધ પ્રદર્શનની ગુંજ દેશની રાજધાની દિલ્હી સુધી પણ પહોંચાડવામાં આવશે. આ પત્રકાર પરિષદમાં નરેન્દ્ર રાવતની સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી તેમજ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા નાઝુ ફડવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ નેતાઓએ એકસૂરે જણાવ્યું હતું કે જ્યાં સુધી શ્રમિકોને તેમનું યોગ્ય વેતન અને પૂરા દિવસનું કામ નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ જમીન સ્તર પર લડત ચાલુ રાખશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com