ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ફરી એકવાર તસ્કરો સક્રિય થયા હોય તેમ જણાઈ રહ્યું છે. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામે આવેલી એક સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરીને અંજામ આપતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કાપોદ્રા રોડ પર આવેલી ક્રિશ રેસિડેન્સીમાં રહેતા જશ્વાલ જયસિંહનું મકાન છેલ્લા કેટલાક દિવસોથી બંધ હતું. મકાનમાલિક જશ્વાલભાઈ પોતાના પરિવાર સાથે વતન ઉત્તર પ્રદેશ ગયા હતા. બંધ મકાનને જોઈ તસ્કરોએ ચોરીની યોજના બનાવી હતી. ચોરોએ મકાનના ઉપરના ભાગેથી નીચે ઉતરી, પાછળના દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો.

તસ્કરોએ ઘરના કબાટને નિશાન બનાવી તેમાં રાખેલા સોના-ચાંદીના કિંમતી ઘરેણાં તેમજ 40,000 રોકડ રકમની ચોરી કરી હતી. મકાનમાલિકના અંદાજ મુજબ, ચોરી થયેલા કુલ મુદ્દામાલની કિંમત 5 લાખથી વધુ હોવાનું મનાઈ રહ્યું છે. ચોરી કર્યા બાદ તસ્કરો પલાયન થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાની સાથે જ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પંચનામું કરી આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી શરૂ કરી છે. બંધ મકાનમાં જે રીતે તસ્કરોએ પ્રવેશ કર્યો તે જોતા આ કોઈ રીઢા ગુનેગારો અથવા વિસ્તારની રેકી કરનારી ટોળકીનું કામ હોવાની શંકા સેવવામાં આવી રહી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com