આમોદ શહેરના તિલક મેદાન ખાતે સમસ્ત આમોદ તાલુકા આદિવાસી સમાજ દ્વારા આજે ક્રાંતિકારી જનનાયક તથા આદિવાસી ગૌરવના પ્રતીક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું ભવ્ય અને ઐતિહાસિક અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમોદ-જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી તેમજ ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેને કારણે સમગ્ર આમોદ નગરમાં ઉત્સાહ અને ગૌરવનો માહોલ છવાઈ ગયો હતો.

પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ નિમિત્તે આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સામેના વિસ્તારથી આદિવાસી સમાજ દ્વારા સુપર ઝણકાર બેન્ડ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં આદિવાસી સમાજના ભાઈઓ, બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. બેન્ડની સુરાવલી અને ઢોલ-નગારાના તાલે પરંપરાગત નૃત્યો સાથે આદિવાસી સંસ્કૃતિનો ઝળહળતો રંગ જોવા મળ્યો હતો.

શોભાયાત્રા દરમિયાન ધારાસભ્ય ડી.કે. સ્વામી તથા સાંસદ મનસુખ વસાવાનું સમાજના આગેવાનો દ્વારા પુષ્પમાળા પહેરાવી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આદિવાસી સમાજના આગેવાનોએ સાંસદ મનસુખ વસાવાને પરંપરાગત તીર-કામઠા ભેટ આપી સન્માનિત કર્યા હતા.

પ્રતિમાનું અનાવરણ થયા બાદ યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં તિલક મેદાનનું નામ બદલી ‘બિરસા મુંડા સર્કલ’ કરવામાં આવ્યું તે બદલ આમોદ નગરપાલિકા, પાલિકાના સદસ્યો તથા મુખ્ય અધિકારીનો આભાર વ્યક્ત કર્યો હતો.

સાંસદ મનસુખ વસાવાએ પોતાના ઉદ્બોધનમાં ભગવાન બિરસા મુંડાના જીવન સંઘર્ષ, અંગ્રેજો સામેની લડત અને શહાદતને યાદ કરતાં જણાવ્યું હતું કે બિરસા મુંડાએ ખૂબ જ નાની ઉંમરમાં આદિવાસી સમાજને સંગઠિત કરી નવી દિશા આપી હતી. તેમણે આદિવાસી સમાજને અંધશ્રદ્ધા, કુરિવાજો અને વ્યસનો છોડીને શિક્ષણ તરફ આગળ વધવા હાકલ કરી હતી. સરકારી નોકરી અને સમાજમાં પ્રગતિ માટે ઉચ્ચ શિક્ષણ અનિવાર્ય હોવાનું તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાને વૈદ્ય તરીકે પણ ઓળખવામાં આવતા હતા, કારણ કે લોકો માનતા હતા કે તેમની અલૌકિક શક્તિથી અનેક પીડાઓ દૂર થતી હતી.

આ કાર્યક્રમમાં આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક, પાલિકાના સદસ્યો, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી હિતેશ પટેલ, મયુરસિંહ રાજ, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ, ભાવિક પટેલ તેમજ સમગ્ર ભરૂચ જિલ્લામાંથી આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત મહેમાનો અને સમાજના આગેવાનોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરના તિલક મેદાન સર્કલનું સત્તાવાર નામકરણ હવે ‘ભગવાન બિરસા મુંડા સર્કલ’ તરીકે કરવામાં આવ્યું છે, જે આમોદ માટે ગૌરવની બાબત બની છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023