ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ ૧૦ અને ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ઝઘડિયા તાલુકાના ઊંટિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાયું હતું. આ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાના નવ તાલુકાની કુલ ૯ ટીમોએ ભાગ લઈ પોતાની રમત પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.

ટુર્નામેન્ટના સેમિફાઇનલ મુકાબલામાં ઝઘડિયા સામે નેત્રંગ તથા વાગરા સામે ભરૂચની ટીમો આમને-સામને આવી હતી. રોમાંચક સેમિફાઇનલ બાદ ફાઇનલ મુકાબલો વાગરા અને નેત્રંગની ટીમ વચ્ચે યોજાયો હતો. ફાઇનલ મેચમાં વાગરા ટીમના ખેલાડીઓએ તોફાની બેટિંગ અને શાનદાર ટીમવર્કનું પ્રદર્શન કરતાં નેત્રંગ ટીમને પરાજય આપ્યો હતો અને ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

આ સમગ્ર ટુર્નામેન્ટનું સફળ આયોજન વિપુલભાઈ પટેલ (ચેરમેન, ઝઘડિયા ટીચર ક્રેડિટ સોસાયટી) દ્વારા કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટના બંને દિવસ દરમિયાન તમામ ખેલાડીઓ અને ઉપસ્થિતો માટે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ભોજન વ્યવસ્થાના સંકલનકાર તરીકે સરદારપુરા શાળાના મુખ્ય શિક્ષક પરેશભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ટુર્નામેન્ટ દરમિયાન બોલની વ્યવસ્થા સુરેન્દ્રસિંહ પ્રાકડા તરફથી કરવામાં આવી હતી. ભરૂચના બી.આર.સી. વિરેન્દ્રસિંહ દ્વારા રૂ. ૨૦૦૦નું દાન આપવામાં આવ્યું હતું. તેમજ ક્રિકેટ ગ્રાઉન્ડની રૂ. ૧૦,૦૦૦ ફી અંકલેશ્વર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિલીપભાઈ પટેલ તથા ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રાજીવ પટેલ દ્વારા આપવામાં આવી હતી.

આ ટુર્નામેન્ટ સમગ્ર સમયગાળા દરમિયાન આનંદમય અને ખેલભાવનાથી ભરપૂર વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. વર્ષ ૨૦૨૬ની ટુર્નામેન્ટના ચેમ્પિયન તરીકે વાગરા ટીમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શિક્ષક જ્યોત સંપાદક મંડળના સદસ્ય બન્કિમભાઈ તથા જિલ્લા સંઘના ઉપપ્રમુખ ખ્યાતિબેન બંને દિવસ સતત હાજર રહ્યા હતા. તેમની સાથે હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ નિલેશભાઈ સોલંકી પણ જોડાયા હતા.

ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રદીપસિંહ રાણાએ સમગ્ર ટુર્નામેન્ટના સફળ આયોજન બદલ આયોજક ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. ટુર્નામેન્ટ અંતે મેન ઓફ ધ મેચ તરીકે વાગરા ટીમના સોકતભાઈને તથા મેન ઓફ ધ સિરીઝ તરીકે ઝઘડિયા ટીમના વિપુલભાઈને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રનર્સ-અપ ટીમ નેત્રંગને પણ ટ્રોફી આપવામાં આવી હતી, જ્યારે ચેમ્પિયન ટીમ વાગરાને ફાઇનલની ટ્રોફી આપી ગૌરવપૂર્વક બિરદાવવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે તમામ શિક્ષકમિત્રોએ રાષ્ટ્રગીત સાથે એકતા અને શિસ્તનો સંદેશ આપતા કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com