Geo Gujarat News

આમોદની સ્વામિનારાયણ સ્કૂલમાં ઉત્સાહભરી સ્પોર્ટ્સ ડે ઉજવણી, ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે ખેલોત્સવનું ઉદ્ઘાટન

આમોદમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલ ખાતે બાળકો શિક્ષણની સાથે સાથે રમતગમત ક્ષેત્રે પણ પ્રગતિ કરી સર્વાંગી વિકાસ સાધે તેવા ઉમદા હેતુ સાથે ભવ્ય રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં આમોદના ધારાસભ્ય ડી.કે. સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના રમતવીર બાળકોને ઉત્સાહપૂર્વક પ્રોત્સાહન આપ્યું હતું.

સ્પોર્ટ્સ ડેની શરૂઆત ધારાસભ્ય ડી.કે. સ્વામી તથા શાળાના આચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ બાળકોને સંબોધતા જણાવ્યું હતું કે શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્રે પણ આગળ વધી બાળકો શાળાનું, તાલુકાનું અને દેશનું નામ રોશન કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે રમતગમત દ્વારા શિસ્ત, આત્મવિશ્વાસ અને નેતૃત્વ ગુણ વિકસે છે તેમ કહી બાળકોને મોટી સિદ્ધિઓ મેળવવા પ્રેરણાત્મક ઉદબોધન કર્યું હતું.

રમતોત્સવમાં બાળકોને પ્રોત્સાહન આપવા માટે વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ડી.કે. સ્વામી, શાળાના આચાર્ય અને વાલીઓ દ્વારા રીબીન કાપી શાળાના વિશાળ પટાંગણને રમતગમત માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રમતવીર બાળકોના જુસ્સા અને ઉત્સાહમાં વધારો કરવા ડ્રમના તાલ સાથે મશાલ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ રંગબેરંગી ફુગ્ગાઓ આકાશમાં છોડીને રમતોત્સવને ખુલ્લો મૂક્યો હતો. રમતોત્સવ નિમિત્તે શાળાના બાળકોએ મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત મહેમાનોને અભિભૂત કર્યા હતા.

રમતોત્સવ દરમિયાન લીંબુ-ચમચી દોડ, કોથળા દોડ, ૧૦૦ મીટર દોડ, ખોખો, કબડ્ડી, ક્રિકેટ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ રમતોમાં વિજેતા બનેલા બાળકોને ટ્રોફી આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે શાળાના આચાર્યા સ્વાતિબેન આર્યએ જણાવ્યું હતું કે બાળકોનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય તે હેતુસર આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

 

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.