વાગરા તાલુકાના સારણ ગામે આવેલ હઝરત પીર ગેબનશાહ સરકાર (રહે.)ના પાવન દરબારમાં પરંપરાગત સંદલ શરીફની ઉજવણી અત્યંત ભક્તિભાવ અને ઉત્સાહભેર યોજાઈ હતી. આ ધાર્મિક પ્રસંગે આસપાસના ગામો સહિત દૂરદૂરથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર આસ્થાના રંગે રંગાઈ ગયો હતો. સંદલ શરીફની વિધિ દરમિયાન દરગાહ પર ફૂલોની સુગંધ, ધૂપ-અગરબત્તીની મહેક અને કલામોની ગુંજ સાથે આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો. શ્રદ્ધાળુઓએ ચાદર ચઢાવી દુઆઓ માગી અને સૌહાર્દ તથા ભાઈચારાની ભાવના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે નાત શરીફના સુમધુર પઠન સાથે સંદલ શરીફનું ભવ્ય ઝુલુસ પણ નીકળ્યું હતું. ઝુલુસ દરમિયાન નારા, કલામો અને નાત શરીફની ગુંજથી સમગ્ર સારણ ગામ ગુંજી ઉઠ્યું હતું. શ્રદ્ધાળુઓ ઝુલુસમાં જોડાઈ પીર સાહેબ પ્રત્યે પોતાની અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યા હતા, જ્યારે માર્ગ પર ફૂલવર્ષા અને અગરબત્તીની સુગંધથી આધ્યાત્મિક વાતાવરણ વધુ મનોહર બન્યું હતું.
સાંજના સમયે સૌ માટે આમ નિયાજનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ નિયાજ ગ્રહણ કરી પીર સાહેબની બરકત મેળવી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિ, સુવ્યવસ્થા અને ધાર્મિક એકતાના સંદેશ સાથે સંપન્ન થયો હતો. સારણ ગામે યોજાયેલી આ સંદલ શરીફની ઉજવણી એકવાર ફરીથી સમાજમાં સ્નેહ, સમરસતા તથા ભાઈચારાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ બની રહી.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com