વાગરાની વાંટા શાળા પાસેના પાવન ધામ ખાતે હઝરત પીર તેજર અલી ઉર્ફે ગાંડાબાવા સરકારનો વાર્ષિક સંદલ શરીફ અત્યંત શાનદાર રીતે મનાવવામાં આવ્યો હતો. દર વર્ષની પરંપરા મુજબ યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં ભક્તોનું ભારે કીડિયારું ઉભરાયું હતું. દરગાહ શરીફ ખાતે ફૂલોની ચાદર અને અત્તરની સુગંધ વચ્ચે શ્રદ્ધાળુઓએ શીશ ઝુકાવીને કોમી એકતા તથા સુખ-શાંતિ માટે વિશેષ દુઆઓ માંગી હતી. આ પવિત્ર અવસરે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિકતા અને ભક્તિના રંગમાં તરબતર જોવા મળ્યું હતું.
ઉજવણીના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય ઝુલુસમાં મોટી સંખ્યામાં અકીદતમંદો જોડાયા હતા. નાત-એ-પાકના સુમધુર પઠન અને આસ્થાભેર પોકારો સાથે નીકળેલું આ ઝુલુસ ગામના રાજમાર્ગો પરથી પસાર થયું ત્યારે ગ્રામજનોએ ફૂલવર્ષા કરી હાર્દિક સ્વાગત કર્યું હતું. ઠેર-ઠેર ધૂપ-અગરબત્તીની મહેક અને ભક્તિમય કલામોએ વાતાવરણમાં દિવ્યતા ભરી દીધી હતી. ધાર્મિક કાર્યક્રમો બાદ સાંજે વિશાળ નિયાજનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ હાજર રહી ધન્યતા અનુભવી હતી. આ ઉત્સવ માત્ર ધાર્મિક વિધિ બનીને નહીં, પરંતુ સમાજમાં ભાઈચારો અને સમરસતા મજબૂત કરતું એક ઉત્તમ ઉદાહરણ બનીને સંપન્ન થયો હતો.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com