ભરૂચ જિલ્લામાં આગામી ૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આમોદ તાલુકાના રેવા સુગર મેદાન ખાતે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય ઉત્સવના સુચારુ આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારી અને ઈન્ચાર્જ કલેક્ટર યોગેશ કાપસેની અધ્યક્ષતામાં વહીવટી તંત્રના અધિકારીઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં કાર્યક્રમની ગરિમા જળવાય અને તમામ વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ થાય તે માટે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ખાસ કરીને કાયદો અને વ્યવસ્થા, પોલીસ પરેડ, બેન્ડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

કાર્યક્રમ સ્થળ પર મંડપ, સ્ટેજ, માઈક સિસ્ટમ અને પ્રોટોકોલ મુજબની બેઠક વ્યવસ્થા તેમજ નાગરિકો માટે વાહન પાર્કિંગ અને આરોગ્ય સુવિધાઓ જેવી કે એમ્બ્યુલન્સની તૈનાતી માટે વિવિધ વિભાગોને જવાબદારી સોંપવામાં આવી છે. ઈન્ચાર્જ કલેક્ટરે વિશિષ્ટ સેવા બદલ સન્માનિત થનારા નાગરિકોના સન્માન સમારોહ દરમિયાન વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની અડચણ ન આવે તે જોવા ખાસ સૂચના આપી હતી.

આ બેઠકમાં ઈન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર પાર્થ જયસ્વાલ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને સોંપાયેલી કામગીરી નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવા કટિબદ્ધતા દર્શાવી હતી.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023