ભરૂચમાં ગેરકાયદેસર હથિયારોના ઉપયોગ અને હેરફેર પર લગામ કસવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત એસ.ઓ.જી.ની ટીમે શહેરના સેવાશ્રમ રોડ પર આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડના ગેટ પાસેથી એક હથિયારી સિક્યુરિટી ગાર્ડને ઝડપી પાડ્યો છે. પીઆઈ એ.વી. પાણમીયા અને પીઆઈ એ.એચ. છૈયાના માર્ગદર્શન હેઠળ ટીમને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં આરોપી પાસેથી એક સિંગલ બેરલ બંદૂક અને ૬ જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલ આરોપી કૃષ્ણકુમાર વિશ્રામ યાદવ મૂળ ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાનો રહેવાસી છે અને છેલ્લા બે મહિનાથી ભરૂચના એક જ્વેલર્સ શોરૂમમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો.
ઝડપાયેલા આરોપી પાસે ઉત્તર પ્રદેશનો હથિયાર પરવાનો હોવા છતાં, તેણે ગુજરાતમાં નોકરી માટે નિયમ મુજબ સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી કે પોલીસ વિભાગમાં કોઈ સત્તાવાર નોંધણી કરાવી ન હતી. હથિયારના લાયસન્સ સંબંધિત નિયમોના ઉલ્લંઘન બદલ અને ગેરકાયદેસર રીતે હથિયાર રાખવા બદલ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સફળ ઓપરેશનમાં એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ કિર્તીકુમાર ભાર્ગવની બાતમી મહત્વની સાબિત થઈ હતી. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે આરોપી અન્ય કોઈ પ્રવૃત્તિમાં સંડોવાયેલ હતો કે કેમ.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com