ભરૂચની સેવાયજ્ઞ સમિતિ અને પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસોથી મધ્યપ્રદેશના અનૂપપૂર જિલ્લાના એક પરિવારમાં ત્રણ વર્ષ બાદ ખુશીઓ પરત ફરી છે. વર્ષ ૨૦૨૨માં માનસિક અસ્થિરતાને કારણે ઘરેથી ગુમ થયેલા ૫૫ વર્ષીય વૃદ્ધા ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિર પાસે બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. તે સમયે એક જાગૃત નાગરિકની જાણકારી બાદ સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટે તેમને આશ્રય આપી અનાથ વૃદ્ધાશ્રમમાં સુરક્ષિત રાખ્યા હતા. શરૂઆતના સમયમાં આ વૃદ્ધા પોતાની ઓળખ કે વતન વિશે કશું જ જણાવી શકતા ન હતા, તેઓ માત્ર મધ્યપ્રદેશની પ્રાદેશિક બોલી સમજતા હતા. જોકે, સંસ્થાના સ્વયંસેવકોએ ત્રણ વર્ષ સુધી તેમની આત્મીયતા પૂર્વક સંભાળ રાખી અને તેમની સારવાર કરાવી હતી.
તાજેતરમાં, વૃદ્ધાએ સંસ્થાના સ્વયંસેવક પાયલ ગાંધી સમક્ષ પોતાના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરતા પુનર્મિલનની આશા જાગી હતી. તેમની પાસેથી મળેલી થોડીક વિગતોના આધારે સમિતિના કાર્યકર હિમાંશુ પરીખે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ટેકનોલોજી અને નેટવર્કની મદદથી વૃદ્ધાના પરિવારને મધ્યપ્રદેશમાં શોધી કાઢ્યો હતો. માતા જીવિત હોવાના સમાચાર મળતા જ તેમનો પુત્ર અને જમાઈ તાત્કાલિક ભરૂચ દોડી આવ્યા હતા. ત્રણ વર્ષના લાંબા અંતરાલ બાદ માતા અને પુત્રના મિલન સમયે વાતાવરણ અત્યંત ભાવુક બની ગયું હતું. સેવાયજ્ઞ સમિતિએ ફરી એકવાર પોતાની સામાજિક જવાબદારી નિભાવીને એક અનાથ બનેલા સ્વજનને તેમના પરિવાર સાથે ભેગા કરવાનું ઉમદા કાર્ય કર્યું છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com