ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા તાજેતરમાં ભરૂચ તાલુકાના ત્રાલસા ગામ ખાતે એક ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેલદિલી અને સમાજ સેવાના ઉમદા હેતુ સાથે યોજાયેલી આ સ્પર્ધાની ફાઈનલ મેચ ગત રવિવારે ભરૂચની ‘શિવ શક્તિ’ અને ‘ઝાડેશ્વર બેટ ઇલેવન’ વચ્ચે રમાઈ હતી. આ રસાકસીભર્યા જંગમાં ઝાડેશ્વર બેટની ટીમે પ્રથમ બેટિંગ કરતા ૧૦ ઓવરમાં ૬૨ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં શિવ શક્તિ ટીમ માત્ર સાત ઓવરમાં જ ધરાશાયી થઈ જતા ઝાડેશ્વર બેટ ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો. વિજેતા ટીમને જિલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર તથા ત્રાલસા ગામના આગેવાનો અને યુવાનોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત આહિર સમાજના ઉપપ્રમુખ ડાહ્યાભાઈ આહિર, મહામંત્રી બાલુભાઈ આહિર અને ક્રિકેટ ક્લબના પ્રમુખ ભરતભાઈ આહિર સહિત સમાજના અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ટુર્નામેન્ટની સૌથી મોટી વિશેષતા એ રહી કે, સમગ્ર આયોજન દરમિયાન એકત્ર થયેલી તમામ આવકનો ઉપયોગ આગામી ૨૨ ફેબ્રુઆરીના રોજ આહિર સમાજ દ્વારા આયોજિત ૯મા સમૂહ લગ્ન મહોત્સવમાં કરવામાં આવશે. રમતગમતની સાથે સામાજિક જવાબદારીના આ અનોખા અભિગમને સૌએ બિરદાવ્યો હતો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com