આકાશી યુદ્ધના પર્વ તરીકે ઓળખાતી ઉત્તરાયણની વાગરા નગર અને સમગ્ર તાલુકાભરમાં અત્યંત ઉત્સાહભેર અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. સવારના કિરણો ફૂટતાની સાથે જ પતંગબાજો ધાબા અને અગાશીઓ પર ગોઠવાઈ ગયા હતા, જેના કારણે વાગરાનું આકાશ અવનવા આકાર અને રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. ઉત્સવની મજા બમણી કરવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોએ ડી.જે. અને મોટા સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા કરી હતી. સંગીતના તાલે ઝૂમતા યુવાનો અને બાળકોમાં ભારે જોશ જોવા મળ્યો હતો. એ કાપ્યો છે, લપેટ-લપેટના ગુંજતા અવાજોથી સમગ્ર વાતાવરણ જીવંત બની ગયું હતું. માત્ર યુવાનો જ નહીં, પણ વડીલો અને મહિલાઓએ પણ પતંગ ચગાવવામાં અને પેચ લડાવવામાં પાછળ રહ્યા નહોતા.
ધાબા પર પતંગબાજીની સાથે સાથે ખાણી-પીણીનો પણ અનોખો આનંદ માણવામાં આવ્યો હતો. વાગરાવાસીઓએ તલના લાડુ, ચીકી અને ગરમાગરમ ઊંધિયા-જલેબીની જ્યાફત માણી ઉત્તરાયણના પર્વને યાદગાર બનાવ્યો હતો. સાંજ પડતાની સાથે જ આકાશમાં આતશબાજી અને ટુકલના દ્રશ્યોએ આકર્ષણ જમાવ્યું હતું. સમગ્ર તાલુકામાં કોઈ પણ અનિચ્છનીય ઘટના વગર શાંતિપૂર્ણ અને હર્ષોલ્લાસ સાથે પતંગોત્સવની પૂર્ણાહુતિ થઈ હતી, જેનાથી ચારેબાજુ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com