ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં પતંગની ઘાતક દોરીએ વધુ એક નિર્દોષનો જીવ લીધો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પીલુદરા ગામના તીથોરા ખડકી વિસ્તારમાં રહેતા રાહુલભાઈ કનુભાઈ પરમાર નામના યુવકનું પતંગની દોરીથી ગળું કપાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને મૃતક યુવકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

વિગતવાર માહિતી મુજબ, રાહુલભાઈ આજે બપોરના સમયે પોતાની બાઈક પર સવાર થઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક પતંગની એક અદ્રશ્ય દોરી તેમના ગળાના ભાગે ફસાઈ ગઈ હતી. દોરી એટલી ધારદાર હતી કે પળવારમાં જ તેમનું ગળું ચીરાઈ ગયું હતું અને તેઓ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ફસડાઈ પડ્યા હતા.
આસપાસના લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી તેમને જંબુસર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા સુધીમાં તેમનું ઘણું લોહી વહી ગયું હોવાથી ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પર્વની ખુશીઓ વચ્ચે બનેલી આ ઘટનાએ માનવતાવાદી સંસ્થાઓ અને પોલીસ તંત્ર દ્વારા પતંગ ચગાવતી વખતે રાખવામાં આવતી સાવચેતીના દાવાઓ સામે ફરી એકવાર પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યું છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com