રહેણાંક અને કોમર્શિયલ હબ ગણાતા મોટા વરાછા વિસ્તારમાં ગત મોડી રાત્રે આગની એક ભયાનક ઘટના સામે આવી હતી. પતરાના શેડમાં બનેલી દુકાનોમાં એકાએક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ આગમાં ટાયરનું ગોડાઉન અને રમકડાંની દુકાન સહિત કુલ ચાર દુકાનો લપેટમાં આવી ગઈ હતી. સદનસીબે, ફાયર બ્રિગેડની સતત સાડા ત્રણ કલાકની જહેમત બાદ એક મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. પતરાના શેડમાં લાગેલી આ આગે ત્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું જ્યારે તે ટાયરના ગોડાઉન સુધી પહોંચી હતી. ટાયર અને પ્લાસ્ટિકના રમકડાં જેવી જ્વલનશીલ વસ્તુઓને કારણે આગ જોતજોતામાં પ્રસરી ગઈ હતી અને આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટ જોવા મળ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા સુરતના 10 અલગ-અલગ ફાયર સ્ટેશનની 15થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર ઓફિસર સિદ્ધાર્થ ગઢવીએ જણાવ્યું હતું કે, ધુમાડો એટલો પ્રબળ હતો કે જવાનોએ માસ્ક પહેરીને કામગીરી કરવી પડી હતી. સતત પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા.

આ દુર્ઘટનામાં સૌથી મોટું જોખમ એ હતું કે આગ લાગી હતી તેનાથી માત્ર 20 ફૂટના અંતરે જ એક પેટ્રોલ પંપ આવેલો હતો. જો આગ પંપ સુધી પ્રસરી હોત તો આખું શહેર ધ્રુજી ઉઠે તેવી જાનહાનિ થઈ શકી હોત. જોકે, ફાયરના જવાનોએ વ્યુહાત્મક રીતે ચારે તરફથી પાણીનો મારો ચલાવી આગને પેટ્રોલ પંપ તરફ વધતી અટકાવી દીધી હતી.

આશરે સાડા ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયો હતો. રાત્રિનો સમય હોવાથી દુકાનોમાં કોઈ વ્યક્તિ હાજર નહોતું, જેને કારણે મોટી જાનહાનિ ટળી છે. જોકે, બે દુકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે અને અન્ય બે દુકાનોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલ નુકસાનનો અંદાજ મેળવવાની અને આગના ચોક્કસ કારણની તપાસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com