ગુજરાતને નશામુક્ત બનાવવાના અભિયાન હેઠળ ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ એક મોટી સફળતા હાંસલ કરી છે. અંકલેશ્વર GIDC બસ ડેપો વિસ્તારમાં ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને પોલીસે બે શખ્સોને 58 ગ્રામ શુદ્ધ હેરોઈન સાથે દબોચી લીધા છે. જપ્ત કરાયેલા આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 11.62 લાખ રૂપિયા હોવાનું મનાય છે.
ભરૂચ જિલ્લાના ગુનાહિત ઇતિહાસમાં હેરોઈન પકડાયો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે, જેણે સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચાવી દીધી છે. ઝડપાયેલા આરોપીઓ રાકેશકુમાર મંડલ અને દિપકકુમાર સિંગ કોઈ સાધારણ ગુનેગાર નથી. આ બંને શખ્સો વર્ષ 2022માં અંકલેશ્વરની યુનિયન બેંકમાં થયેલી 44 લાખની સનસનાટીભરી લૂંટ અને પોલીસ પર ગોળીબાર કરવાના ગુનામાં સંડોવાયેલા હતા. જેલમાંથી જામીન પર મુક્ત થયા બાદ, શોર્ટકટમાં નાણાં કમાવવાની લાલચે તેઓ હવે હેરોઈનના કાળા કારોબારમાં સામેલ થયા હતા.
SOG ના હેડ કોન્સ્ટેબલ સુરેશ વણઝારાને મળેલી સચોટ બાતમીના આધારે, PI એ.વી. પણામિયાં અને PI એ.એચ. છૈયાની આગેવાનીમાં એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમે વોચ ગોઠવીને બસ ડેપો પાસેથી બંને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં શૈલેષ વસાવા, ગોવિંદ રાવ, રવિ વસાવા સહિતના જવાનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે આ હેરોઈન સરહદ પારથી ભારતમાં ઘૂસાડવામાં આવે છે. ઉત્તર-પૂર્વ ભારત અને બિહારના ભાગલપુર જેવા વિસ્તારોને આ ડ્રગ્સના સપ્લાય હબ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. પકડાઈ જવાની બીકે માફિયાઓ મોટી ખેપને બદલે નાની-નાની પડીકીઓ કે જથ્થામાં માલ અલગ-અલગ રાજ્યોમાં મોકલે છે. ભરૂચમાં હેરોઈનનું નેટવર્ક પકડાતા હવે અન્ય રાષ્ટ્રીય તપાસ એજન્સીઓ પણ આ કેસમાં જોડાય તેવી પ્રબળ શક્યતા છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com