અંકલેશ્વર નગરપાલિકામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો અને વાયરલ ઓડિયો ક્લિપ બાદ રાજકીય માહોલ ગરમાયો છે. પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને તેમના પતિની કથિત સંડોવણીના વિરોધમાં ગુરુવારે કોંગ્રેસે આક્રમક પ્રદર્શન કરીને પાલિકા કચેરી ગજવી મૂકી હતી. યુથ કોંગ્રેસ અને વિપક્ષી નેતાઓએ શહેરના સ્ટેશન રોડથી પાલિકા કચેરી સુધી રેલી કાઢી હતી. આ વિરોધ પ્રદર્શનમાં કાર્યકરોએ ચિલ્ડ્રન બેંકની નકલી નોટો હવામાં ઉડાવીને પ્રમુખના રાજીનામાની માંગ કરી હતી. પ્રમુખ અને તેમના પતિના કટઆઉટ સામે નકલી નોટોનો ઢગલો કરી કોંગ્રેસે પાલિકામાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર પર આકરા પ્રહારો કર્યા હતા. તોડબાજ દંપતી અને પતિરાજ બંધ કરો જેવા નારાઓ સાથે વાતાવરણ ઉગ્ર બન્યું હતું.

કોંગ્રેસના નેતાઓ શરીફ કાનૂગા અને રફીક ઝઘડિયાવાલાએ આક્ષેપ કર્યો હતો કે, માત્ર ૫૦ હજારની લેતીદેતીની વાયરલ ઓડિયો ક્લિપ તો માત્ર હિમશિલાની ટોચ છે. તેમણે આઇકોનિક રોડ પ્રોજેક્ટમાં ૭૫ લાખ રૂપિયાની ગેરરીતિ, ડમ્પિંગ સાઇટ પર વારંવાર આગ લગાડીને આચરાતા ભ્રષ્ટાચાર અને વિવિધ કોન્ટ્રાક્ટમાં પ્રમુખ તથા તેમના પતિ દ્વારા લેવામાં આવતી ‘કટકી’ ના મુદ્દે સરકાર પાસે તપાસની માંગણી કરી છે.

વિપક્ષે વધુમાં જણાવ્યું કે, નગરપાલિકાના વહીવટમાં ચૂંટાયેલા પ્રતિનિધિને બદલે તેમના પતિનો હસ્તક્ષેપ વધી ગયો છે, જે સરકારના પરિપત્રોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. જો ભ્રષ્ટાચારી પ્રમુખને પદભ્રષ્ટ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ લડત વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ કોંગ્રેસ દ્વારા આપવામાં આવી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com