ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે નેત્રંગ પોલીસે લાલ આંખ કરી છે. બાતમીના આધારે નેત્રંગ પોલીસે રૂપઘાટ ગામની ચોકડી પાસેથી એક એક્ટિવા મોપેડ ચાલકને વિદેશી દારૂના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹14,400ની કિંમતની દારૂની નાની-મોટી 96 બોટલો કબજે કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. નેત્રંગ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.સી. વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને સચોટ બાતમી મળી હતી કે, એક ઈસમ પોતાના મોપેડ પર દારૂ ભરેલો થેલો લઈને બિલાઠાથી ગાલિબા જતા માર્ગ પર થઈને રૂપઘાટ ગામની ચોકડી તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ચોકડી પાસે વોચ ગોઠવી હતી.
વોચ દરમિયાન શંકાસ્પદ મોપેડ આવતા પોલીસે તેને રોકીને તલાશી લીધી હતી. સ્કૂટરના આગળના ભાગે પગ મૂકવાની જગ્યામાં રાખેલા થેલાની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 96 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે મોપેડ ચાલક સુકાભાઈ હડીયાભાઈ વસાવા (રહે. ઉમરખરડા, તા. નેત્રંગ) ને અટકાયતમાં લીધો હતો. હાલ પોલીસે દારૂ અને મોપેડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી, આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ પૂછપરછ શરૂ કરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com