Geo Gujarat News

આમોદ: રોજા ટંકારીયામાં ગંદા પાણી મુદ્દે ભારે હોબાળો, ગ્રામજનોના આક્રોશ વચ્ચે પંચાયતે કામગીરી આરંભી

આમોદ તાલુકાના રોજા ટંકારીયા ગામમાં પીવાના પાણીની ગુણવત્તાને લઈને ગ્રામજનો અને પંચાયત સામસામે આવી ગયા છે. ગામના પાછલા ફળિયાના રહીશો, ખાસ કરીને મહિલાઓએ મીડિયા સમક્ષ ઉગ્ર રોષ ઠાલવતા આક્ષેપ કર્યો છે કે, તેમને છેલ્લા કેટલાય સમયથી અત્યંત ગંદુ, દુર્ગંધયુક્ત અને કચરાવાળું પાણી મળી રહ્યું છે.

આ ગંદા પાણીને કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું હોવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામજનોનું કહેવું છે કે વારંવાર મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નહોતા.

તો બીજી તરફ, ગામના સરપંચ ધર્મેન્દ્રભાઈએ આ તમામ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે, તેમને આ બાબતે કોઈ લેખિત રજૂઆત મળી નથી. જોકે, વિવાદ ત્યારે વકર્યો જ્યારે એક બાજુ સરપંચ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી રહ્યા હતા, અને બીજી જ તરફ તે જ વિસ્તારમાં પાણીની કુંડી તોડીને તાત્કાલિક નવી પાઈપલાઈન અને વાલ્વ નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ ઉતાવળે કરાયેલી કામગીરીને જોઈને જાગૃત નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો પાણી શુદ્ધ જ હતું, તો પછી અચાનક સમારકામની જરૂર કેમ પડી?

ગ્રામજનોની મુખ્ય વ્યથા એ છે કે ગ્રામીણ વિસ્તારોમાં દરેક વ્યક્તિ લેખિત ફરિયાદ કરવા સક્ષમ હોતી નથી, તેથી તંત્રએ મૌખિક કે ટેલિફોનિક ફરિયાદોને પણ ગંભીરતાથી લેવી જોઈએ. હાલ પંચાયત દ્વારા નવી વ્યવસ્થા ઉભી કરવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે કામગીરી બાદ હજુ પાણી પુરવઠો શરૂ થયો નથી. પાણી આવ્યા પછી જ ખબર પડશે કે સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું છે કે માત્ર વિવાદને દબાવવાનો પ્રયાસ છે.

હાલ તો આ આક્ષેપબાજી અને ગંદા પાણીના મુદ્દે સમગ્ર પંથકમાં ચર્ચાએ જોર પકડ્યું છે. રોજા ટંકારીયા ગામમાં પીવાના પાણીનો વિવાદ માત્ર સામાજિક સંઘર્ષ નથી, પરંતુ તે લોકોના મૂળભૂત અધિકાર અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલો ગંભીર પ્રશ્ન છે.

હાલમાં જે રીતે ઉતાવળે સમારકામ કરવામાં આવ્યું છે, તે માત્ર સામયિક ઉકેલ કે વિવાદ શમાવવાનો પ્રયાસ ન રહેવો જોઈએ. તંત્રએ આક્ષેપબાજીમાં પડવાને બદલે પાણીના સ્ત્રોતથી લઈને વિતરણ લાઈનો સુધીની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં ફરીથી પ્રદૂષિત પાણીની સમસ્યા ઉભી ન થાય. ગ્રામ પંચાયત અને વહીવટી તંત્રએ માત્ર લેખિત રજૂઆતના ટેકનિકલ કારણો આગળ ધરવાને બદલે સંવેદનશીલતા દાખવી, ગામના દરેક ફળિયામાં શુદ્ધ અને પૂરતું પાણી મળે તેવી મજબૂત વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે.

જાગૃત નાગરિકો અને તંત્ર વચ્ચેનો પરસ્પર સહયોગ જ આ સમસ્યાનો કાયમી અંત લાવી શકે છે અને ગ્રામજનોને બીમારીઓના જોખમથી બચાવી શકે છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.