Geo Gujarat News

ઝઘડિયા તાલુકામાં ફરી એક જીવલેણ અકસ્માત, રાજપારડી ચાર રસ્તે હાઇવા ટ્રકની અડફેટે એકનું મોત.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોએ ફરી એકવાર ચિંતા જગાવી છે. રાજપારડી નગરના વ્યસ્ત ચાર રસ્તા પાસે આજે વધુ એક કરુણ અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઇવા ટ્રકની ટક્કરે એક વ્યક્તિનું સ્થળ પર જ મોત થયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, આજે સવારે આશરે 11 વાગ્યાના સમયે રાજપારડી ચાર રસ્તા નજીક આ દુર્ઘટના બની હતી. અકસ્માતમાં સારસા ગામના રહેવાસી રમેશભાઈ વસાવા હાઇવા ટ્રકના પાછળના ચાકડાં નીચે આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા, જ્યારે મૃતકના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે રાજપારડી ચાર રસ્તા પરથી અંકલેશ્વર-ભરૂચને રાજપીપલા સાથે જોડતો મુખ્ય માર્ગ પસાર થાય છે. આ માર્ગ રાજપીપલાથી આગળ બોડેલી અને છોટાઉદેપુર તરફ જોડાતો હોવાથી દિવસ-રાત ભારે વાહનવ્યવહાર ચાલુ રહે છે. પરિણામે, અહીં વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે,

જેમાંથી ઘણા અકસ્માતો જીવલેણ સાબિત થયા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ચાર રસ્તા પર યોગ્ય ગતિ અવરોધક ન હોવાને કારણે વાહનો બેફામ ઝડપે દોડે છે. આ દુર્ઘટના બાદ ફરી એકવાર લોકોમાં માંગ ઉઠી છે કે રાજપારડી ચાર રસ્તાના તમામ માર્ગો પર તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવામાં આવે. જનહિતને ધ્યાનમાં રાખીને તંત્ર વહેલી તકે પગલાં ભરે તેવી માંગ સ્થાનિકોમાં ઉગ્ર બની છે.

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.