Geo Gujarat News

હાંસોટ: સાહોલમાં શેરડીના ખેતરમાંથી દીપડાનું બચ્ચું મળ્યું, વન વિભાગે મધર લેપર્ડને પકડવા પાંજરું ગોઠવી વ્યૂહરચના ઘડી

હાંસોટ તાલુકાના સાહોલ ગામની સીમમાં શેરડીના ખેતરોમાં દીપડાની અવરજવરને પગલે ખેડૂતો અને શ્રમિકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. સાહોલ ગામની સીમમાં જ્યારે શેરડીના વાઢનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક શેરડીના ગાઢ વાવેતર વચ્ચેથી દીપડાનું એક નાનું બચ્ચું મળી આવ્યું હતું. શ્રમજીવીઓએ સમયસૂચકતા વાપરી તુરંત કામ અટકાવી વન વિભાગને આ અંગે જાણ કરી હતી. દીપડાનું બચ્ચું હોવાની વાત વાયુવેગે પ્રસરતા આસપાસના વિસ્તારના લોકો કૂતુહલવશ ઉમટી પડ્યા હતા, પરંતુ સાથે જ દીપડાની માતા હુમલો કરી શકે તેવી ભીતિથી ફફડાટ પણ જોવા મળ્યો હતો.

ઘટનાની જાણ થતા જ વન વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સાહોલની સીમમાં દોડી આવી હતી અને બચ્ચાને સુરક્ષિત રીતે પોતાના કબજામાં લીધું હતું. વન્યજીવ નિષ્ણાતોના મતે, જ્યાં બચ્ચું હોય ત્યાં માદા દીપડો ચોક્કસપણે આસપાસ જ હોય છે. આથી, વન વિભાગે માદા દીપડાને પકડવા માટે એક ખાસ રણનીતિ અપનાવી છે. વન વિભાગે બચ્ચાને સાથે રાખીને જ ખેતરમાં પાંજરું ગોઠવ્યું છે, જેથી બચ્ચાના અવાજ કે ગંધથી પ્રેરાઈને માદા દીપડો ત્યાં આવે ત્યારે તેને સુરક્ષિત રીતે પાંજરે પૂરી શકાય.

હાલમાં શેરડી કટિંગની સીઝન હોવાથી ખેતરોમાં લોકોની અવરજવર વધુ હોય છે, જે જોખમી સાબિત થઈ શકે છે. આથી વન વિભાગ દ્વારા સાહોલ અને આજુબાજુના ગામના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને વહેલી સવારે કે મોડી રાત્રે ખેતરોમાં એકલા ન જવા અને કામ કરતી વખતે સતર્ક રહેવા જણાવાયું છે. વન વિભાગની ટીમ હાલમાં ખેતરની આસપાસ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને પાંજરામાં માદા દીપડો ક્યારે કેદ થાય છે તેની પર નજર રાખી રહી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.