Geo Gujarat News

અંકલેશ્વર પાલિકા પ્રમુખ સામે લાંચના આક્ષેપે મચાવ્યો રાજકીય ભૂકંપ, ઓડિયો ક્લિપ વાયરલ થતા વિપક્ષે રાજીનામા માટે કચેરી ગજવી

અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત હાલ ગંભીર વિવાદોના ઘેરાવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી એક કથિત ઓડિયો ક્લિપે પાલિકાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આ ક્લિપમાં પ્રમુખ દ્વારા એક કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા ૫૦,૦૦૦ની લાંચની માંગણી કરવામાં આવી હોવાનો ગંભીર દાવો કરવામાં આવ્યો છે. આ ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવતા જ આમ આદમી પાર્ટી આક્રમક મૂડમાં જોવા મળી હતી અને નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું.

આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનોએ મોટી સંખ્યામાં એકઠા થઈને સત્તાધારી પક્ષ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે, વાયરલ ક્લિપે પાલિકાના વહીવટમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખોલી દીધી છે. AAP દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, જ્યાં સુધી આ સમગ્ર પ્રકરણની તટસ્થ અને ઉચ્ચસ્તરીય તપાસ પૂર્ણ ન થાય, ત્યાં સુધી લલિતા રાજપુરોહિતે નૈતિકતા સ્વીકારીને પોતાના પદ પરથી તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ.

​નગરપાલિકાના વહીવટી તંત્રને સંબોધતા વિરોધ પક્ષના નેતાઓએ ચેતવણી આપી છે કે આ માત્ર શરૂઆત છે. જો ભ્રષ્ટાચારના આ પુરાવાઓ બાદ પણ જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં વિલંબ થશે, તો આગામી દિવસોમાં આ લડતને જનતાના દરબાર સુધી લઈ જવામાં આવશે. હાલ તો આ ઓડિયો ક્લિપ સાચી છે કે કેમ તે તપાસનો વિષય છે, પરંતુ આ ઘટનાએ શહેરમાં સત્તાધારી પક્ષની છબી ખરડી છે અને રાજકીય મોરચે હોબાળો મચાવ્યો છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.