ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલક ગામ પાસે કાર્યરત ક્રિષ્ના સિરામિક કંપનીમાં એક જીવલેણ અકસ્માત સર્જાતા ખળભળાટ મચી ગયો છે. કંપનીના ગોડાઉનમાં કામ કરી રહેલા શ્રમિક ઘનશ્યામભાઈ મગનભાઈ રાઠોડ પર અચાનક સિરામિક પાવડર ભરેલી ગુણોનો આખો જથ્થો ધસી પડ્યો હતો. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા શ્રમિકને તાત્કાલિક વડોદરાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રવિવારે સાંજે ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. શ્રમિકના મોતના સમાચાર મળતા જ પરિવારજનોમાં શોક અને રોષની લાગણી વ્યાપી ગઈ હતી. વડોદરા હોસ્પિટલથી મૃતદેહ લીધા બાદ પરિવારે અંતિમ સંસ્કાર કરવાને બદલે સીધા જ ક્રિષ્ના સિરામિક કંપનીના દરવાજે પહોંચી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. આક્રોશિત સ્વજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી કંપની મેનેજમેન્ટ દ્વારા શ્રમિકના પરિવારને યોગ્ય આર્થિક વળતરની લેખિત ખાતરી આપવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. આ અણધારી સ્થિતિને કારણે કંપનીના પરિસરમાં ભારે તણાવ સર્જાયો હતો.

ઘટનાની ગંભીરતાને જોતા મોટી સંખ્યામાં ગ્રામજનો અને સમાજના આગેવાનો કંપની ખાતે એકઠા થયા હતા. વિવાદ વધુ વકરે નહીં તે હેતુથી જંબુસર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા પરિવારજનો અને કંપનીના સત્તાધીશો વચ્ચે મધ્યસ્થી કરી મામલો થાળે પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જોકે, પરિવાર પોતાની માંગ પર અડગ હોવાથી હજુ સુધી કોઈ ચોક્કસ નિરાકરણ આવ્યું નથી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com