ભરૂચ શહેરમાં રખડતા શ્વાનોનો આતંક હાલ ચરમસીમાએ પહોંચ્યો છે, જેના પુરાવા સિવિલ હોસ્પિટલના આંકડાઓ આપી રહ્યા છે. છેલ્લા માત્ર દોઢ મહિનાના ટૂંકા ગાળામાં જ શ્વાન કરડવાના ૧૦૯૪ જેટલા કેસો નોંધાતા સમગ્ર શહેરમાં ભય અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ વિકટ પરિસ્થિતિને જોતા, ભારત સરકારના નેશનલ એક્શન પ્લાન ફોર રેબિસ એલિમિનેશન અને હાઈકોર્ટના દિશાનિર્દેશો હેઠળ ભરૂચ નગરપાલિકા દ્વારા ૧ જાન્યુઆરી ૨૦૨૬થી શ્વાનોની વસ્તી નિયંત્રણ અને હડકવા મુક્તિ માટેનું અભિયાન તેજ કરવામાં આવ્યું છે. મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલના જણાવ્યા અનુસાર, આ કામગીરી માટે દાહોદની સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટને જવાબદારી સોંપવામાં આવી છે, જેમને પ્રત્યેક શ્વાન દીઠ ૨૪૦૦ ચૂકવવામાં આવશે.

આ પ્રક્રિયા હેઠળ નગરપાલિકાના વિવિધ વોર્ડમાંથી શેરી શ્વાનોને પકડીને જે.બી. મોદી બાગ પાસે આવેલા પાલિકાના ગેરેજ ખાતે લાવવામાં આવે છે, જ્યાં નિષ્ણાત તબીબો દ્વારા તેમનું રસીકરણ અને ખસીકરણ કરવામાં આવે છે. શ્વાનોની સુખાકારીનું ધ્યાન રાખતા, ઓપરેશન બાદ તેમને પાંચ દિવસ સુધી સંભાળ કેન્દ્રમાં રાખી યોગ્ય ખોરાક અને સારવાર આપવામાં આવે છે. જ્યારે શ્વાન સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય, ત્યારે તેમને નિયમ મુજબ જે વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હોય ત્યાં જ પરત છોડી દેવામાં આવે છે. નગરપાલિકાની આ વૈજ્ઞાનિક પદ્ધતિથી શ્વાનોની વધતી વસ્તી પર લાંબાગાળે અંકુશ આવશે અને નાગરિકોને શ્વાન કરડવાના જોખમમાંથી મુક્તિ મળશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com