જંબુસર તાલુકાના અણખી ગામમાં રાષ્ટ્રીય પક્ષી મોર પર શ્વાનોના ટોળાએ હુમલો કરતા અફરાતફરી મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, ગામમાં ચારથી પાંચ હિંસક શ્વાનોએ એક મોરને નિશાન બનાવ્યો હતો. શ્વાનોથી બચવા જતાં ઈજાગ્રસ્ત થયેલો મોર નજીકમાં આવેલા તળાવમાં ખાબક્યો હતો. પક્ષીનો શિકાર કરવાના ઈરાદે શ્વાનો પણ તેની પાછળ તળાવના પાણીમાં કૂદી પડ્યા હતા, જેના કારણે મોરનો જીવ જોખમમાં મુકાયો હતો. આ દ્રશ્ય જોતા જ ગામના જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક રહીશો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ ભારે જહેમત બાદ શ્વાનોના ચુંગાલમાંથી મોરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. હુમલાને કારણે મોરને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હોવાથી, માનવતાના ધોરણે તેને તુરંત જ જંબુસર પશુ દવાખાને સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો.

પશુ ચિકિત્સકો દ્વારા મોરને પ્રાથમિક સારવાર આપ્યા બાદ, આ અંગે જંબુસર વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના કર્મચારીઓ સ્થળ પર પહોંચતા જ ગ્રામજનોએ ઘાયલ પક્ષીને તેમને સોંપ્યું હતું. હાલ મોર વન વિભાગની દેખરેખ હેઠળ છે. અણખી ગામના યુવાનો અને રહીશોએ દાખવેલી આ તત્પરતાને કારણે એક અબોલ પક્ષીનો જીવ બચી જતાં પંથકમાં તેમની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com