ઇકોએ ટક્કર મારતા બાઇક સવાર લોહીલુહાણ : રસ્તા પર પડેલી ટોપી લેવા અચાનક બાઇક વાળતી વખતે પાછળથી આવતી ઇકો કારે જોરદાર ટક્કર મારતા યુવાનને ગંભીર હાલતમાં ભરૂચ સારવાર માટે ખસેડાયો હતો. અકસ્માત બાદ ઇકો કાર રોડ નીચે ઉતરી ગઈ હતી, પરંતુ એરબેગ ખુલતા કાર ચાલક સહિતના લોકોનો આબાદ બચાવ થયો હતો.
ચાલુ બાઇકે કેપ લેવા જતાં યુવાન ફંગોળાયો : વાગરા તાલુકાના પખાજણ ગામ નજીક આવેલી યશો કંપની પાસે આજે એક કમકમાટીભર્યો માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વહિયાલ ગામનો યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, વહિયાલ ગામનો રહીશ મયંક ધર્મેન્દ્ર પરમાર પોતાની બાઇક GJ-16-CR-3686 પર પસાર થઈ રહ્યો હતો, ત્યારે ચાલુ બાઇકે તેની કેપ રસ્તા પર પડી ગઈ હતી. આ ટોપી લેવા માટે તેણે અચાનક પોતાની મોટરસાઇકલ પાછી વાળી હતી, તેજ સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલી ઇકો કાર GJ-16-DG-6530 તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી.
એરબેગના કારણે મોટો જીવલેણ અકસ્માત ટળ્યો : અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇક સવાર મયંક રોડ પર દૂર સુધી ફંગોળાઈ ગયો હતો. અને તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બીજી તરફ ટક્કર બાદ ઇકો કાર નિયંત્રણ ગુમાવીને રોડની નીચે ઉતરી ગઈ હતી. સદનસીબે, કારમાં રહેલી સુરક્ષા એરબેગ્સ સમયસર ખૂલી જતાં કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જો એરબેગ ન ખૂલી હોત, તો કાર સવારો માટે પણ આ અકસ્માત જીવલેણ સાબિત થઈ શક્યો હોત.
સારવાર અને લોકટોળા : ઘટના સ્થળે હાજર લોકોએ તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં મયંકને ભરૂચની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો. અકસ્માતને પગલે હાઇવે પર થોડીવાર માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. માર્ગ પર વાહન ચલાવતી વખતે નાની એવી બેદરકારી કે અચાનક લીધેલો વળાંક કેટલો જોખમી હોઈ શકે છે, તે આ ઘટના પરથી સાબિત થાય છે. ઘટનાને પગલે પોલીસ તપાસની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com