યુવાનોએ ૩૫ યુનિટ રક્ત આપી સ્વામીજીને ભાવાંજલિ અર્પી : જીવન તીર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી. ટ્રસ્ટના પ્રમુખ અક્ષયસિંહ રાજ અને સરપંચ પ્રવિણસિંહ ચૌહાણની નિશ્રામાં યોજાયેલા આ કાર્યક્રમમાં વછનાદ અને આસપાસના ગામોના યુવાનોએ ઉત્સાહપૂર્વક ૩૫ યુનિટ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. આ પ્રસંગે રક્તદાતાઓમાં ભારે જાગૃતિ અને સેવાભાવના જોવા મળી હતી.
વછનાદમાં વિવેકાનંદ જયંતીની સેવાકીય ઉજવણી: યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીની ૧૬૩મી જન્મજયંતીના શુભ અવસરે જીવન તીર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાગરા તાલુકાના વછનાદ ગામમાં એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નર સેવા એ જ નારાયણ સેવાના મંત્રને ચરિતાર્થ કરતા આ કાર્યક્રમમાં વછનાદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના યુવાનોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. આ રક્તદાન મહાયજ્ઞમાં કુલ ૩૫ યુનિટ રક્ત એકત્ર કરી સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.
યુવાશક્તિનો અભૂતપૂર્વ ઉત્સાહ : વછનાદ ગામના સરપંચ પ્રવિણસિંહજી ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રહાડ, આકોટ, સલાદરા, વાગરા, પહાજ, સમની તથા ઝનોર જેવા વિવિધ ગામોના રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા. સ્વામીજીના ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોના સંદેશને આત્મસાત કરી રક્તદાતાઓએ જરૂરિયાતમંદ દર્દીઓની મદદ માટે સ્વેચ્છાએ રક્તદાન કર્યું હતું. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના યુવાનોમાં રક્તદાન જેવી પવિત્ર પ્રવૃત્તિ માટે જોવા મળેલી જાગૃતિ અને સમર્પણ ભાવની ઉપસ્થિત મહાનુભાવોએ મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.
સેવા અને સંકલ્પનું સંગમ : આ ભગીરથ કાર્યને સફળ બનાવવામાં જીવન તીર્થ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અક્ષયસિંહ ઘનશ્યામસિંહ રાજ અને તેમની ટીમની મહેનત રંગ લાવી હતી. અક્ષયસિંહ રાજે આ પ્રસંગે જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદજીના વિચારોને જીવંત રાખવાનો શ્રેષ્ઠ માર્ગ જનસેવા છે અને રક્તદાન દ્વારા આપણે અનેક અમૂલ્ય જીવ બચાવી શકીએ છીએ. રક્તદાન શિબિરના સફળ આયોજન બદલ ગ્રામજનોમાં સંતોષ અને આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com