Geo Gujarat News

આમોદ: દાંડા ગામે ૨૬ વર્ષીય યુવાનનું શંકાસ્પદ મોત, અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી..

આમોદ તાલુકાના દાંડા ગામે ૨૬ વર્ષીય આશાસ્પદ યુવાનનું શંકાસ્પદ મોત થતાં આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દાંડા ગામના નિશાળ ફળિયા નવીનગરી વિસ્તારમાં રહેતા વિષ્ણુભાઈ પ્રવીણ વસાવા (ઉ.વ. ૨૬) ૧૫મી જાન્યુઆરીના રોજ ઘરે પરત આવ્યા બાદ ઘરમાં અચાનક બેભાન અવસ્થામાં પડી ગયા હતા.ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને આમોદ સરકારી દવાખાને ખસેડ્યા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૧૭મી જાન્યુઆરીના રોજ વહેલી સવારે લગભગ ચાર વાગ્યે વિષ્ણુભાઈનું મોત થયું હતું. તેમના અવસાન બાદ લાશને તેમના વતન દાંડા ગામે લાવવામાં આવી હતી.જોકે, યુવાનના મોત અંગે પિતા પ્રવીણ અમરસંગ વસાવાને શંકા જતા તેમણે આમોદ પોલીસને જાણ કરી હતી. ફરિયાદ મળતાની સાથે જ આમોદ પોલીસ દાંડા ગામે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતકની લાશને સાંજના સમયે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી.આશાસ્પદ યુવાનનું મોત શંકાસ્પદ જણાતા પોલીસે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ કરાવી મોતના કારણ અંગે સ્પષ્ટતા મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. આમોદ પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ આગળ ધપાવી રહી છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.