જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ રવિવારે મોડી સાંજે વિશેષ કોમ્બિંગ નાઇટ હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન શહેરના વિવિધ વિસ્તારો તેમજ મુખ્ય પ્રવેશદ્વારો પર સઘન ચેકિંગ ગોઠવવામાં આવ્યું હતું, જેમાં નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન નંબર પ્લેટ વગરના વાહનો, કારની બારીઓમાં અપારદર્શક ફિલ્મ લગાવનારા, ફેન્સી નંબર પ્લેટ ધરાવતા તેમજ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કરતા ચાલકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઉપરાંત વાહનોમાં ધોકા જેવા હથિયારો લઈને ફરતા શંકાસ્પદ લોકો સામે પણ પોલીસે કાયદેસર કાર્યવાહી કરી હતી.
જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે પવનચક્કી સર્કલ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક નિયમો તોડનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં આઠથી વધુ બાઇકો ડિટેઇન કરવામાં આવી હતી અને કુલ રૂ. 15,300 જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, જાહેર સ્થળો કે દુકાનો આગળ વાહનો પાર્ક કરીને બેસી રહેતા લોકો સામે પણ પોલીસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. પોલીસની કાર્યવાહી જોઈને કેટલાક લોકો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. કોમ્બિંગ નાઇટની આ કામગીરીથી શહેરમાં શિસ્ત અને સલામતીનો સંદેશો સ્પષ્ટ રીતે પહોંચ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com