Geo Gujarat News

આમોદ તાલુકા કોંગ્રેસનો જન સંવાદ, આછોદ અને ઘમનાદમાં યોજાઈ વ્યૂહાત્મક બેઠકો, ચૂંટણી તૈયારીનો શંખનાદ

આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી તથા આવનારી ચૂંટણીઓ માટે સ્પષ્ટ અને અસરકારક રણનીતિ ઘડવા માટે જન સંવાદ પરિવર્તનનો શંખનાદ કાર્યક્રમ અંતર્ગત મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ આછોદ જિલ્લા પંચાયત બેઠક અને તેના આધિન આવતી તાલુકા પંચાયત સીટો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તા. ૧૯ જાન્યુઆરી ૨૦૨૬, સોમવારના રોજ આછોદ-બુવા રોડ પર ઈદગાહ પાસે સ્થિત હોલ ખાતે યોજાયેલી બેઠકમાં આછોદ જિલ્લા પંચાયત સીટના કાર્યકરો, પાયાના આગેવાનો અને સ્થાનિક પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન કોંગ્રેસના જિલ્લા તેમજ તાલુકા કક્ષાના વરિષ્ઠ નેતાઓએ કાર્યકરોને સંબોધન કરી જનતા સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાની, ગામેગામ પક્ષની વિચારધારા પહોંચાડવાની અને સ્થાનિક પ્રશ્નોને પ્રાથમિકતા આપવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.આ બેઠકમાં આછોદ જિલ્લા પંચાયત હેઠળ આવતા વિવિધ વિસ્તારો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આછોદ-૧ અને આછોદ-૨ (બુવા તથા નાહિયેર), કોલવણા (ઇટોલા અને મછાસરા), રોજા ટંકારીયા (માગરોલ, વલીપુર અને દેનવા) તેમજ પુરસા વિસ્તારના કાંકરિયા, દાદાપોર, હેતમપુરા, અડવાલા, રાણીપુરા અને જુના-નવા વાડીયા જેવા ગામોનો સમાવેશ થયો હતો. દરેક વિસ્તારમાં સંગઠન મજબૂત કરવાની દિશામાં સૂચનો અને અભિપ્રાયો પર ખુલ્લી ચર્ચા કરવામાં આવી હતી. એટલું જ નહીં, આજના જ દિવસે ઘમનાદ સ્થિત વિષ્ણુ મંદિરના હોલ ખાતે પણ એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેરવાડા, બોડકા, આશનેરા, ભીમપુરા, રોંધ, શ્રી કોથી, નિણમ, ટેગવા, સોનામાં, અનોર, તણછા તેમજ ઘમનાદ સહિતના વિસ્તારોના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. અહીં પણ સ્થાનિક મુદ્દાઓ, સંગઠનાત્મક પડકારો અને ચૂંટણી પૂર્વ તૈયારીઓ અંગે ઊંડાણપૂર્વક વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.બેઠકોના અંતે આગામી દિવસોમાં જનતાના પ્રશ્નોને વધુ અસરકારક રીતે વાચા આપવા, સ્થાનિક સ્તરે કોંગ્રેસ સંગઠનને સક્રિય અને એકજૂટ બનાવવા માટે ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. પરિવર્તનનો શંખનાદના નારા સાથે યોજાયેલા આ જન સંવાદ કાર્યક્રમોમાં કાર્યકરોમાં નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો, જે આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે તેમ છે. આ બંને કાર્યક્રમોમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, ઇબ્રાહીમભાઈ શેઠ, ભૂપેન્દ્રસિંહ ડાયમાં, કેતન મકવાણા, ઠાકોરભાઈ પઢિયાર સહિત અનેક કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.