Geo Gujarat News

આમોદમાં ૧૩૦૦થી વધુ મતદારોના નામ કમી કરવાની કોશિશ સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, મામલતદાર કચેરીએ આવેદનપત્ર

ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન આશરે ૧૩૦૦થી વધુ મતદારોના નામ કમી કરવાનો પ્રયાસ થતાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના આગેવાનો દ્વારા ફોર્મ નં. ૭ ભરીને મોટા પાયે વાંધા અરજીઓ રજૂ કરાતા આ સમગ્ર પ્રક્રિયા સામે કોંગ્રેસ દ્વારા કડક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ મુદ્દે કોંગ્રેસના આગેવાનો તથા મોટી સંખ્યામાં સ્થાનિક રહીશોએ આમોદ મામલતદાર કચેરી પહોંચીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી.મામલતદાર હાજર ન હોવાથી નાયબ મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કોઈ ચોક્કસ રાજકીય પક્ષના ઈશારે ખાસ કરીને મુસ્લિમ સમાજને નિશાન બનાવીને ગેરકાયદેસર રીતે વાંધા અરજીઓ કરવામાં આવી છે.કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, જે મતદારો સામે વાંધા ઉઠાવવામાં આવ્યા છે તેઓ વર્ષોથી આમોદમાં કાયમી વસવાટ કરી રહ્યા છે અને તેમની પાસે ચૂંટણી પંચ દ્વારા માંગવામાં આવતા તમામ જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ છે. તેમ છતાં કોઈ મજબૂત કારણ કે દસ્તાવેજી પુરાવા વિના વાંધા ઉઠાવીને મતાધિકાર છીનવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે લોકશાહી અને બંધારણીય અધિકારો પર સીધી અસર કરે છે.આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે, બી.એલ.ઓ. દ્વારા અગાઉ સ્થળ પર જઈ તપાસ કરી ફોટોગ્રાફ્સ અને જરૂરી પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા હતા. તે છતાં રાજકીય કિન્નાખોરીના કારણે નિર્દોષ મતદારોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાનું કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જો ખોટી રીતે કોઈ પણ મતદારનું નામ યાદીમાંથી કમી કરવામાં આવશે, તો આ મામલે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી કાયદાકીય લડત લડવાની ચીમકી પણ આપવામાં આવી છે.કોંગ્રેસે તંત્ર સમક્ષ માંગ કરી છે કે, પાયાવિહોણી અને મનસ્વી વાંધા અરજીઓ તાત્કાલિક રદ કરવામાં આવે તેમજ મતદારોને ખોટી રીતે હેરાન કરનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ રજૂઆત દરમિયાન તમામ અસરગ્રસ્ત મતદારો પણ પોતાના આધાર-પુરાવા સાથે મામલતદાર કચેરીએ હાજર રહ્યા હતા, જેના કારણે મામલતદાર કચેરી પરિસરમાં ભારે ગતિચલન જોવા મળ્યું હતું.આ વિરોધ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા, માજી પ્રમુખ સાજીદ રાણા, કોંગ્રેસ આગેવાન મેહબુબ કાકુજી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.