આમોદ નગરના આમલી ફળિયા ખાતે આવેલી પાણીની ટાંકીની બાજુમાં સ્થિત હજરત સિત્તરશા પીર (રહે.)ના પાવન દરબારમાં પરંપરાગત સંદલ શરીફની ઉજવણી આ વર્ષે પણ અત્યંત આસ્થા, ભક્તિ અને શાંતિના માહોલમાં ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે આમોદ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અકીદતમંદો હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ધાર્મિક ભાવનાથી છલકાઈ ઉઠ્યો હતો.
દર વર્ષની જેમ આ વર્ષે પણ વાવડી ફળિયા સ્થિત મોટા પીરની ગાડી ખાતેથી નાત શરીફના પઠન સાથે સંદલ શરીફનું ભવ્ય ઝુલુસ નીકળ્યું હતું. ઝુલુસ દરમ્યાન અકીદતમંદો નાત શરીફ અને સલાતો-સલામ પઠન કરતા આગળ વધતા રહ્યા હતા. પરંપરાગત રીતિરીવાજ મુજબ નીકળેલા આ ઝુલુસને જોવા માર્ગના બંને બાજુ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. ભક્તિભાવ, શિસ્ત અને શાંતિપૂર્વક ઝુલુસ હજરત સિત્તરશા પીરની દરગાહ શરીફ ખાતે પહોંચી હતી.
દરગાહ શરીફ ખાતે સંદલ શરીફ અર્પણ કર્યા બાદ વિશેષ દુઆઓ ગુજારવામાં આવી હતી. આ દુઆમાં દેશ-વિદેશમાં અમન-શાંતિ, સૌહાર્દ, ભાઈચારો તેમજ સર્વે લોકોના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. દુઆના પળોમાં સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક અને ભાવવિભોર બની ગયું હતું. આ પાવન અવસરે દરગાહ પર અકીદતમંદો માટે વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું.
સંદલ શરીફની આ ભવ્ય ઉજવણી માત્ર ધાર્મિક આસ્થા પૂરતી સીમિત ન રહી, પરંતુ સામાજિક એકતા અને ગંગા-જમુની સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ બની રહી હતી. તમામ સમુદાયના લોકો એકસાથે જોડાઈ આ ઉજવણીમાં ભાગ લેતા આમોદ નગરની એકતા અને સૌહાર્દની ભાવનાને વધુ મજબૂત બનાવતી હતી.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023