Geo Gujarat News

આમોદમાં નાઈટ ક્રિકેટનો રોમાંચ શિખરે, સબનમ ક્રિકેટ કલબ દ્વારા આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દેવલાં ટીમ ચેમ્પિયન

આમોદ ચામડિયા હાઇસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે આમોદ સબનમ ક્રિકેટ કલબ દ્વારા આયોજિત નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચે ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો. ફાઇનલ મુકાબલામાં જંબુસર તાલુકાની દેવલાં અને કાવીની મજબૂત ટીમો આમને-સામને આવી હતી, જેમાં શાનદાર પ્રદર્શન સાથે દેવલાંની ટીમે વિજયનો તાજ પોતાના નામે કર્યો હતો.ગત રોજ તિલક મેદાન ખાતે રમાયેલ આ ફાઇનલ મુકાબલામાં કાવીની ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ૧૦ ઓવરમાં ૮૨ રનનો પડકારજનક સ્કોર ઉભો કર્યો હતો. જવાબમાં જીત માટે ૮૩ રનની જરૂરિયાત ધરાવતી દેવલાંની ટીમે આક્રમક અને સંયમિત રમત દાખવી, નિર્ધારિત ૧૦ ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી મેચ જીતી લીધી હતી.આ રોમાંચક ફાઇનલ મેચને જોવા માટે આમોદ ઉપરાંત આજુબાજુના દુરદુરના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમી દર્શકો ઉપસ્થિત રહ્યા હતા. જેના કારણે સમગ્ર ગ્રાઉન્ડ જનમેદનીથી ખીચોખીચ ભરાયેલું જોવા મળ્યું હતું અને દરેક ચોગ્ગા-છગ્ગા પર દર્શકોનો ઉત્સાહ ઉછળી પડતો હતો.ટુર્નામેન્ટના અંતે વિજેતા દેવલાં ટીમને વિજેતા શિલ્ડ સાથે રોકડ ઇનામ આપી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે રનર્સઅપ રહેલી કાવીની ટીમને રનર્સઅપ શિલ્ડ તેમજ રોકડ ઇનામથી નવાજવામાં આવી હતી. આ ઉપરાંત મેન ઓફ ધ મેચ, બેસ્ટ પ્લેયર, બેસ્ટ બોલર અને બેસ્ટ ફિલ્ડર જેવા વ્યક્તિગત પુરસ્કારો આપી ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને બિરદાવવામાં આવ્યું હતું.આમોદ સબનમ ક્રિકેટ કલબ દ્વારા કરાયેલા આ સુવ્યવસ્થિત આયોજનથી શહેરના યુવાઓ તેમજ આસપાસના ગામોના લોકોએ ભારે ઉત્સાહ સાથે નાઈટ ક્રિકેટનું રોમાંચક મનોરંજન માણ્યું હતું. આ ટુર્નામેન્ટે આમોદમાં રમતગમત પ્રત્યેનો જુસ્સો અને એકતાનો સકારાત્મક સંદેશો ફરી એકવાર ઉજાગર કર્યો છે.

 

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.