ભરૂચ શહેરને સ્વચ્છ અને કચરામુક્ત બનાવવાના ઉમદા હેતુ સાથે નગરપાલિકા દ્વારા એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન હેઠળ પાલિકાની આરોગ્ય ટીમ અને સેનેટરી ઇન્સ્પેક્ટરોએ શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરીને નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે દંડાત્મક પગલાં લીધાં હતાં.
પાલિકાની ટીમોએ હોટલો, નાસ્તાની રેકડીઓ, દુકાનો અને અન્ય વ્યાવસાયિક સંકુલમાં સઘન તપાસ કરી હતી. આ કામગીરી દરમિયાન પર્યાવરણને નુકસાન પહોંચાડતી અને સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી પ્લાસ્ટિકની થેલીઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેને અધિકારીઓએ સ્થળ પર જ જપ્ત કર્યો હતો. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે અનેક વેપારીઓ દ્વારા કચરો જાહેર માર્ગો પર ફેંકીને ગંદકી કરવામાં આવતી હતી, જે બદલ તેમની પાસેથી મસમોટો દંડ વસૂલવામાં આવ્યો હતો.
નગરપાલિકાના અધિકારીઓએ તમામ વેપારીઓને કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે, કચરો ગમે ત્યાં ફેંકવાને બદલે ડસ્ટબિનનો ફરજિયાત ઉપયોગ કરવો અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ તાત્કાલિક બંધ કરવો. પાલિકા સૂત્રોના જણાવ્યા અનુસાર, ભરૂચને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ વધુ વેગવંત બનાવવામાં આવશે. તંત્રએ નાગરિકોને પણ આ સ્વચ્છતા અભિયાનમાં સક્રિય સહયોગ આપવા અને શહેરને સુંદર બનાવવામાં ભાગીદાર બનવા અપીલ કરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com