Geo Gujarat News

અંકલેશ્વર: મમરાની આડમાં ચાલતા દારૂના કાળા કારોબારનો પર્દાફાશ, પોલીસે 40 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો દ્વારા અપનાવવામાં આવેલી નવી તરકીબને પોલીસે નિષ્ફળ બનાવી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે માંડવા ટોલ પ્લાઝા પાસે ઓપરેશન હાથ ધરીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. નવાઈની વાત એ છે કે, આ દારૂ પોલીસની નજરમાંથી બચવા માટે મમરાના કોથળાઓની નીચે છુપાવવામાં આવ્યો હતો. ​ઘટનાની વિગત મુજબ, પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ માહિતી મળી હતી કે ભરૂચ તરફ જતા માર્ગ પર એક શંકાસ્પદ બોલેરો પીકઅપ ગાડી ઉભી છે, જેમાં નંબર પ્લેટ પણ નથી. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતા ગાડીમાંથી મમરાની થેલીઓ મળી આવી હતી, પરંતુ ઊંડાણપૂર્વક તલાશી લેતા નીચેથી વિદેશી દારૂની પેટીઓ નીકળી પડી હતી. પોલીસે ઘટનાસ્થળેથી કુલ 1008 નંગ બોટલો જપ્ત કરી છે, જેની બજાર કિંમત આશરે રૂ. 35.10 લાખ થાય છે.આ સમગ્ર મામલે પોલીસે દારૂ અને પીકઅપ ગાડી મળીને કુલ રૂ. 40.10 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. જોકે, પોલીસના દરોડા દરમિયાન આરોપીઓ હાથ લાગ્યા નથી. પોલીસે આ ગુનામાં પીકઅપ ચાલક સહિત દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. હાલ પોલીસ દ્વારા આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.