આમોદ તાલુકાના દાંડા ગામે મિત્રતા પર કલંક લગાવતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં જમવા જેવી સામાન્ય બાબતે થયેલા વિવાદમાં ચાર મિત્રોએ મળીને મારામારી કરતા એક આશાસ્પદ યુવાનનું મોત નિપજ્યું છે.આમોદ પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી ચારેય આરોપીઓને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ દાંડા ગામે રહેતા વિષ્ણુભાઈ પ્રવીણ વસાવા (ઉંમર આશરે ૨૬ વર્ષ) તેમના ચાર મિત્રો-રાહુલ ઉર્ફે મેહુલ પ્રવીણ વસાવા, ભૂમિત અરવિંદ વસાવા, અલ્પેશ ચંદુ વસાવા અને કનુ ચંદુ વસાવા સાથે ૧૪ અને ૧૫ જાન્યુઆરીના રોજ જમવા બાબતે વિવાદમાં પડ્યા હતા.
આ વિવાદ હિંસક બનતા માતર ગામે સિગ્મા કોલેજ સામે હાઇવે બ્રિજ નજીક, સાપા ગામ તરફ તથા ઓછણ ગામ તરફ અલગ-અલગ સ્થળોએ આરોપીઓએ વિષ્ણુ વસાવા સાથે ઝઘડો કરી નાની-મોટી ઇજાઓ પહોંચાડી હતી.
આ દરમિયાન આરોપીઓએ માથાની જમણી બાજુ કોઈ કઠોર વસ્તુથી પ્રહાર કરતા વિષ્ણુ વસાવા બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ આરોપીઓએ મૃતકના પિતાની ગેરહાજરીમાં તેમને બેભાન હાલતમાં દાંડા ગામે તેમના ઘરે મૂકી ફરાર થઈ ગયા હતા.
૧૫ જાન્યુઆરીના રોજ મૃતકના પિતા પ્રવીણ અમરસંગ વસાવા હલદરવા ગામેથી ઘરે પરત ફર્યા ત્યારે પોતાના પુત્રને બેભાન અવસ્થામાં જોઈ આસપાસના લોકોની મદદથી સૌપ્રથમ આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. જોકે ૧૭ જાન્યુઆરીના રોજ વહેલી સવારે હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુ અંગે શંકા જતા મૃતકના પિતાએ આમોદ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.
૧૮ જાન્યુઆરીના રોજ મળેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથામાં ગંભીર ઇજાના કારણે મોત થયાનું સ્પષ્ટ થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે ઝડપી કાર્યવાહી કરી ચારેય આરોપીઓને ધરપકડ કરી હતી તેમજ ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે. હાલ આમોદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાએ સમગ્ર દાંડા ગામમાં શોક અને આક્રોશની લાગણી ફેલાવી દીધી છે, જ્યારે જમવા જેવી સામાન્ય બાબતે મિત્રોએ જ મિત્રનો જીવ લઈ લીધો હોવાને કારણે લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023