ભરૂચ શહેરના નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે લાલ આંખ કરતા ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને નગરપાલિકાની સંયુક્ત ટીમે ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. શહેરના ગીચ અને વ્યસ્ત એવા સ્ટેશન વિસ્તારમાં આવેલી ૧૮ જેટલી ખાણી-પીણીની લારીઓ, દુકાનો અને હોટલોમાં ત્રાટકેલી ટીમે રસોડાની સ્વચ્છતા, સેનેટરી સુવિધા અને ખાદ્ય સામગ્રીની ગુણવત્તાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ તપાસ દરમિયાન અનેક જાણીતી હોટલોમાં રસોડાની બદતર હાલત અને હાઈજેનિક પરિસ્થિતિનો અભાવ જોવા મળતા તંત્ર દ્વારા આકરા તેવર બતાવવામાં આવ્યા હતા.
કાર્યવાહી દરમિયાન કેટલીક નાસ્તાની દુકાનોમાંથી અત્યંત બિનઆરોગ્યપ્રદ ખોરાક મળી આવ્યો હતો, જેનો આરોગ્યની ટીમ દ્વારા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જેમાં અંદાજે ૧૦ લિટર જેટલી વાસી વડાપાઉંની ચટણી, ૫ લિટર જેટલું વર્ષો જૂનું બળેલું તેલ અને ૫ કિલો જેટલા જીવાતવાળા કે વાસી બિરિયાનીના ચોખાનો સમાવેશ થાય છે. આ બિનઆરોગ્યપ્રદ સામગ્રી ગ્રાહકોને પીરસાય તે પહેલાં જ તંત્રએ તેને જપ્ત કરી નષ્ટ કરી દીધી હતી.
વિભાગ દ્વારા માત્ર ખાદ્ય સામગ્રીનો નાશ જ નહીં, પરંતુ વેપારીઓ અને ત્યાં કામ કરતા કારીગરોને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત તાજો ખોરાક આપવા માટે કડક સૂચનાઓ આપી હતી.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તમામ વેપારીઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો આગામી સમયમાં શુદ્ધતા અને સફાઈના નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો જે-તે એકમને સીલ કરવા સહિતની દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com