Geo Gujarat News

વાગરા: અખોદ ગામે SRF ફાઉન્ડેશનની આરોગ્ય જાગૃતિ પહેલ, 111 મહિલાઓએ સર્વાઇકલ કેન્સર અને મિશન વાત્સલ્ય અંગે મેળવી મહત્વપૂર્ણ માહિતી

વાગરા તાલુકાના અખોદ ગામે SRF ફાઉન્ડેશન દ્વારા Cervical Health Awareness Month અંતર્ગત સર્વાઇકલ (ગર્ભાશય) કેન્સર અંગે વ્યાપક જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારમાં રહેલી મહિલાઓને સર્વાઇકલ કેન્સર જેવા ગંભીર રોગ વિશે જાણકારી આપી સમયસર તપાસ અને સારવાર માટે પ્રોત્સાહિત કરવાનો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામની મહિલાઓ ઉત્સાહપૂર્વક જોડાઈ હતી. કાર્યક્રમ દરમિયાન જાણીતા તબીબ ડૉ. નીલુ પટેલ દ્વારા સર્વાઇકલ કેન્સરના કારણો, લક્ષણો, જોખમકારક બાબતો તેમજ તેની અટકાથામ માટે લેવાય તેવી તકેદારીઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ખાસ કરીને વહેલી ઓળખ, નિયમિત ચેકઅપ, HPV રસીકરણ, સ્વચ્છતા અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. મહિલાઓને કોઈ પણ લક્ષણ દેખાય તો શરમ કે ભય રાખ્યા વગર તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવાની અપીલ કરવામાં આવી હતી.
આ અવસરે SRF ફાઉન્ડેશન તરફથી શ્રીમતી નિશા જુનેજા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહિલાઓને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા, સ્વ-સંભાળના પગલાં લેવા તેમજ પરિવાર અને સમાજમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાના મહત્વ અંગે સંબોધન કર્યું હતું. મહિલાઓના આરોગ્ય અને સુરક્ષા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર તેમણે ઉપયોગી માહિતી આપી હતી. કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ, ભરૂચ તરફથી સુનિલભાઈ અને સામાજિક કાર્યકરતા અગીતાબેન દ્વારા મિશન વાત્સલ્ય યોજનાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે બાળકોના અધિકાર, સંરક્ષણ અને કલ્યાણ માટે સરકાર દ્વારા અમલમાં મુકાયેલી યોજનાઓ તેમજ તેમાં મળતા લાભો વિશે ગામની મહિલાઓને જાણકારી આપી હતી, જેથી જરૂરિયાતમંદ બાળકો સુધી આ લાભો સરળતાથી પહોંચાડી શકાય.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન SRF ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં નેહા પટેલ, ચેતન રાઠોડ અને પરમાર તરંગે આયોજનને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમ અંતે પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં મહિલાઓએ પોતાના પ્રશ્નો પૂછ્યા અને તબીબો તથા મહેમાનો દ્વારા તેનું સમાધાન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય અને જાગૃતિ કાર્યક્રમનો કુલ 111 મહિલાઓએ લાભ લીધો હતો, જે ગ્રામ્ય મહિલાઓના સ્વાસ્થ્ય અને સામાજિક જાગૃતિ દિશામાં એક નોંધપાત્ર અને સરાહનીય પ્રયાસ બન્યો છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.