આમોદ નગરમાં સવા ચાર કરોડની પાણીની ટાંકીના કામમાં ગેરરીતિના મામલે રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. પ્રાદેશિક કમિશનર દ્વારા આમોદ નગરપાલિકાના કોંગ્રેસના માજી પ્રમુખ સમીમબેન એમ. પટેલને 37 લાખ 99 હજારનો દંડ ફટકારવામાં આવતા શહેરના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. આ કાર્યવાહી સામે માજી પ્રમુખે ખુલ્લેઆમ પ્રતિકાર નોંધાવી મીડિયા સમક્ષ પોતાનું સ્પષ્ટ અને કડક વલણ રજૂ કર્યું છે. માજી પ્રમુખ સમીમબેન પટેલે જણાવ્યું હતું કે તા. 19-01-2026ના રોજ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી દ્વારા પાઠવવામાં આવેલ હુકમ સંપૂર્ણપણે એકતરફી, અન્યાયપૂર્ણ અને રાજકીય દુભાવનાથી પ્રેરિત છે. આ હુકમનો હેતુ ન્યાય આપવાનો નહીં પરંતુ મને રાજકીય રીતે બદનામ કરવાનો છે, જે હવે સ્પષ્ટ બની ગયું છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણય પાછળ રાજકીય એજન્ડા કામ કરી રહ્યો હોવાની ગંધ આવે છે.
તેમણે વધુમાં સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે પીવાના પાણીની ટાંકી, પાઇપલાઇન તથા સંબંધિત તમામ કામો વર્ષ 2010માં વર્ક ઓર્ડર દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા અને આ કામને આજ દિન સુધી લગભગ 16 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. આટલા લાંબા સમય બાદ અચાનક એક જ વ્યક્તિને નિશાન બનાવી દંડનો હુકમ કરવો શંકાસ્પદ છે અને દુરાશય દર્શાવે છે. જો ખરેખર કામમાં ગંભીર ખામી હોત તો તે સમયે કે ત્યારબાદ કાર્યવાહી કેમ ન કરવામાં આવી, એવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો. માજી પ્રમુખે જણાવ્યું કે આ સમગ્ર કામગીરી નગરપાલિકાના સીટી એન્જિનિયર, કન્સલ્ટન્ટ, TPI તેમજ મુખ્ય અધિકારીની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. તેમ છતાં મારા સિવાય કોઈપણ અધિકારી, ઈજનેર કે જવાબદાર કર્મચારી સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે માત્ર પ્રમુખને જ દોષિત બતાવવાની પાછળ કોનો એજન્ડા છે?
તેમણે વધુમાં ઉમેર્યું કે જો આ પાણીની ટાંકી અને સમનું કામ ખરેખર ટકલાદી હોત, તો છેલ્લા 12 વર્ષથી આજ દિન સુધી આ જ ટાંકી દ્વારા આમોદ શહેરમાં નિયમિત રીતે પાણી વિતરણ કેવી રીતે થઈ રહ્યું છે? હકીકત એ છે કે આજે પણ આ ટાંકી અને સમ સંપૂર્ણ રીતે કાર્યરત છે. છ મહિના પહેલા નવી ટાંકીનું નિર્માણ થતાં આ જૂની પરંતુ કાર્યરત ટાંકી અને સમ માટે પાણી બંધ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં કામ ખોટું હોવાનું કહેવું માત્ર બદનામી માટે રચાયેલ ષડયંત્ર હોવાનું તેમણે જણાવ્યું હતું. માજી પ્રમુખ સમીમબેન પટેલે વધુમાં આક્ષેપ કર્યો કે બિલનું ચુકવણું ન કરવા બાબતે મને ક્યારેય કોઈ શાખા તરફથી લેખિત કે મૌખિક સૂચના આપવામાં આવી નથી. આ હકીકત છુપાવીને મારી સામે કાર્યવાહી કરવી એ ન્યાયના મૂળભૂત સિદ્ધાંતોનો ભંગ છે. તેમણે એ પણ જણાવ્યું કે નગરપાલિકાની સામાન્ય સભામાં પસાર થતા દરેક ઠરાવની દેખરેખ અને નાણાકીય જવાબદારી મુખ્ય અધિકારીની હોય છે, તો પછી નાણાકીય વ્યવહારો માટે માત્ર પ્રમુખને જ દંડિત કરવો કાયદેસર છે કે રાજકીય વેરભાવ એ મોટો પ્રશ્ન છે.
અંતમાં માજી પ્રમુખે જણાવ્યું હતું કે આ હુકમ દ્વારા મારી જાહેર છબી ખરાબ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે, જેને હું કડક શબ્દોમાં નકારી કાઢું છું. ટૂંક સમયમાં આ અન્યાય સામે જિલ્લા કોર્ટમાં અપીલ કરી ન્યાય મેળવવાનો માર્ગ અપનાવવામાં આવશે અને રાજકીય બદનામી કરનાર દરેક તત્વ સામે કાયદેસર લડત લડવામાં કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. સત્ય મારી સાથે છે અને મેં હંમેશા ઈમાનદારી તથા પારદર્શક રીતે વહીવટ કર્યો હોવાથી અંતે ન્યાય મળશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023