ગીર સોમનાથ જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જુગાર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાલાલા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં આવેલા એક ખુલ્લા ખેતરમાં ચાલી રહેલા હાઇપ્રોફાઇલ જુગારના અડ્ડા પર SMC એ મધરાત્રે દરોડો પાડી 13 જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા છે, જ્યારે 27 જેટલા શખ્સો અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, SMC ના પી.એસ.આઈ. કે.એચ. ઝાંકત અને તેમની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે ગુંદરણ ગામના સર્વે નંબર 119 વાળા ખેતરમાં મોટા પાયે જુગાર રમાતો હતો. આ માહિતીના આધારે 21 અને 22 જાન્યુઆરીની મધરાત્રે યોજનાબદ્ધ રીતે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસની અચાનક કાર્યવાહીથી જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. દરોડા દરમિયાન મુખ્ય સંચાલક અયુબ હુસૈન ખાન (રહે. વિઠ્ઠલપુર) સહિત તેના સાગરિતો દિનેશ મગન કાનબાર, ચંદ્રકાંત પરસોત્તમ ચગ સહિત કુલ 13 ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી 1,49,750 ની રોકડ, 15 મોબાઈલ ફોન (અંદાજીત કિંમત 66,000), તેમજ 26 વાહનો (અંદાજીત કિંમત 12.70 લાખ) સહિત સ્ટીલ બોક્સ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું હતું. આ રીતે કુલ મળીને આશરે 14.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં પ્રકાશ મહેતા (ગોર), લખન લોહાણા, રોહિત અને જેકી સહિત કુલ 27 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ભાગી ગયેલા આરોપીઓ છોડીને ગયેલા વાહનો અને મોબાઈલ ફોનના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને આગળની કાર્યવાહી માટે તાલાલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com